વરાછા ડિ-સ્ટાફનો લાંચિયો કોન્સ્ટેબલ રામદેવ વાળા જેલમાં ધકેલાયો : ડિ-સ્ટાફનું વિસર્જન

સુરત: (Surat) વરાછામાં દારૂના (Alcohol) કેસમાં દોઢ લાખ લીધા બાદ બીજા 20 હજાર માંગવાના ગુનામાં કોન્સ્ટેબલ (Constable) રામદેવ વાળા જેલમાં ધકેલાયો છે. આ સાથે જ શુક્રવારે વરાછા ડિ-સ્ટાફનું (D-Staff) વિસર્જન થયું છે. એસીબીમાં ફરિયાદ થતા પોલીસે છટકું ગોઠવી રામદેવ વાળાને પકડી પાડ્યો હતો.

  • બે પેટી દારૂના કેસમાં દોઢ લાખ રૂપિયા લીધા બાદ પણ રત્નકલાકારની સામે ગુનો નોંધ્યો હતો
  • એસીબીમાં ફરિયાદ થતા પોલીસે છટકું ગોઠવી રામદેવ વાળાને પકડી પાડ્યો

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાએ થોડા દિવસ પહેલા એક રત્નકલાકારને બે પેટી દારૂ સાથે પકડ્યો હતો. કેસ નહીં કરવા શરૂઆતમાં 1.45 લાખ લઇ લીધા બાદ પણ રત્નકલાકારની સામે ગુનો નોંધાયો હતો. બાદમાં રામદેવ વાળાએ બાકી રહેતા 5 હજાર માંગી તેમજ કેસમાં અન્ય કોઇ સાક્ષીનું નામ નહીં ખોલવા માટે બીજા 15 હજાર મળી કુલ્લે 20 હજારની માંગ કરી હતી. આ બાબતે એસીબીમાં ફરિયાદ થતા પોલીસે છટકું ગોઠવી રામદેવ વાળાને પકડી પાડ્યો હતો. પોલીસે રામદેવ વાળાના એક દિવસના રિમાન્ડ મેળવી ગઈકાલે ફરીવાર કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફની દાદાગીરી અને ભ્રષ્ટાચારી સામે વરાછા પીઆઇ દ્વારા ડિ-સ્ટાફનું વિસર્જન કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે.

સુરત પોલીસના ટ્રાફિક વિભાગના ‘આઈ ફોલો કેમ્પેઈન’માં લાખોની કટકી કરાયાનો આક્ષેપ
સુરત : શહેરીજનોને ટ્રાફિક નિયમન કરાવવા માટે આઇ ફોલો કેમ્પેઇન શરૂ કરાયું હતું, આ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હાથના બેલ્ટ, સ્ટીકર અને હોર્ડિંગ્સનને લઇને લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. આ બાબતે રાજ્ય ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો પણ મળી છે.

આરટીઆઇ એક્ટીવિસ્ટ સંજય ઇઝાવાએ માહિતી આપતા કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેન અજેન્સીને લાખોના પેમેન્ટ આપવાનો વિવાદ હજુ પૂરો થયો નથી તો હવે આઇ ફોલો કેમ્પેઇનનો વિવાદ શરૂ થયો છે. આ કેમ્પેઇનમાં ટ્રાફિક પોલીસ દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી. પોતાના માનીતા માણસ પાસેથી અલગ અલગ ૩ કોટેશન મંગાવીને લાખોના કામ આપી દેવામાં આવેલ છે. મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના ‘I follow Campaign’ કાર્યક્રમની જાહેરાત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલ હોર્ડિંગની સંખ્યા ૪૦ અને ૨૭ છે. પણ એક પણ હોર્ડિંગના લોકેશન તથા હોર્ડિંગ લગાવવામાં આવેલાની ફોટો ઉપલબ્ધ નથી.

વર્ષ ૨૦૨૦ માં ૪૦ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૫,૨૬૦/- થથા તો વર્ષ ૨૦૨૧ માં ૨૭ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૯,૯૯૧/- ની ચુકવણી કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ છે. વર્ષ ૨૦૨૦માં રૂ. ૧,૦૩,૮૪૦/- ચૂકવીને ૨૨,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદવામાં આવેલ હતા, ત્યારે વર્ષ ૨૦૨૧ માં રૂ. ૧,૦૦,૦૦૦/- આપીને ૪૦,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદી લીધા છે, જે શંકાસ્પદ છે. આ ઉપરાંત જે કંપની અસ્તીત્વમાં જ નથી તેવી કંપનીના નામે કોટેશન મેળવીને પોતાના મળતીયાને લાખો રૂપિયાનો ફાયદો કરાવ્યોનો પણ આક્ષેપ કરાયો છે. આ બાબતે રાજ્ય ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Most Popular

To Top