સુરત : છેલ્લાં થોડા સમયમાં સુરત શહેરમાં ક્રાઈમ રેડ ચિંતાજનક હદે વધી ગયો છે. મર્ડર, બળાત્કાર જેવા ગંભીર ગુના વધતા પોલીસ પર દબાણ વધ્યું છે. વળી, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ ગુનાખોરી વધી હોય રાજકીય દબાણ પણ વધ્યું છે, તેના પગલે હવે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર જ ફિલ્ડમાં ઉતરી પડ્યા છે. કમિશનરે કામચોર અને ભ્રષ્ટ્રાચારી પોલીસ અધિકારીઓ સામે સખ્ત પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને સાથો સાથ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સાઈકલ પર પેટ્રોલિંગ કરવાના આદેશ આપ્યા છે.
- ઉમરા પીઆઈ ડી.કે. પટેલ બાદ વરાછા પીઆઈ આર્યની તાબડતોબ બદલી કરાઈ
- વરાછા પીઆઈની કામચોરી કમિશનરના ધ્યાન પર આવી હતી
- શહેરના તમામ પોલીસ ઈન્સ્પેક્ટરને સ્પોટ વિઝિટ કરવા આદેશ
કાયદાને ઘોળીને પી જનારા પીઆઇ પર કમિ. અજય તોમર (Surat City Police Commissioner Ajay Tomar ) દ્વારા હાર્ડ એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉમરા પીઆઇ ડી.કે.પટેલની બદલી (Transfer) કરવામાં આવ્યા બાદ વરાછા પીઆઇ આર્યની તાબડતોડ બદલી કરવામાં આવી છે. તેઓની નિષ્ક્રિયતાની નોંધ કમિ. અજય તોમર દ્વારા લેવામાં આવી છે. દરમિયાન સુરત શહેરના તમામ પીઆઇઓને સ્પોટ વિઝિટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જો કોઇ ગફલત કરાઇ તો નવરા કરી દેવાની ચીમકી આપવામાં આવી છે. કમિ. અજય તોમરે વરાછા પીઆઇ આર્ય સામે ગંભીર ફરિયાદોને ધ્યાનમાં લેતાં તેમની બદલી કરી હતી.
એસીપી અને ડીસીપીઓને સ્પોટ પર જવા માટે કમિ. તોમરનો આદેશ
શહેરના તમામ ડીસીપી અને એસીપી એ ઓફિસમાં બેસી રહેતા હોવાની જે વ્યાપક ફરિયાદો હતી, તેની સામે કમિ. અજય તોમર દ્વારા તમામ એસીપી અને ડીસીપીઓને તેમના વિસ્તારમાં પ્રજાની કેટલી ફરિયાદ છે તે જોવા માટે આદેશ આપ્યો છે. અને તેનું રિપોર્ટિંગ કરવા માટે જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પોટ પર કમિ. અજય તોમર ફરતા દેખાય છે. જ્યારે તેમના સાથીદાર ગણાતા એસીપી અને ડીસીપી સાવ નિષ્ક્રિય રહેતા હોવાની ફરિયાદો બાદ કમિ. અજય તોમરે તમામ ડીસીપીઓને સ્પોટ પર જવા માટે આદેશ આપ્યા છે.
ક્રાઈમ રેટ વધતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સાઈકલ પર પેટ્રોલિંગનો આદેશ આપ્યો
સુરતમાં ક્રાઈમ રેટ વધી જતાં પો.કમિ. અજય તોમરે સુરતના એસીપી, ડીસીપી અને પીઆઇઓને તેમની સાથે સાયકલિંગ પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપ્યો હતો. તેમાં પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના મહત્વપૂર્ણ પોલીસ સ્ટેશનોમાં સાયકલિંગ કરીને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. કમિ. અજય તોમરના આદેશથી અનફીટ પોલીસ અધિકારીઓને સાયકલ ચલાવતા પરસેવો છૂટી ગયો હતો.