સુરત: સુરતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતાં પોલીસ પણ બની રહ્યાં હોવાનું સામે આવ્યું છે. સચિન ઓવર બ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુ નાયકા ગઈકાલે તા. 16 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યે ડ્યુટી પુરી કરીને પોતાના ગામ મહુવા જઈ રહ્યાં હતાં. તેઓ સચિન જીઆઈડીસી નજીકના ઓવરબ્રિજ પર પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.
તેથી પોલીસ કોન્સ્ટેબલે પોતાની બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક ડિવાઈડર સાથે ટકરાઈ હતી. રાજુ નાયકાને ગંભીર ઈજા થઈ હતી. 108માં તેમને સિવિલ ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ રાજુ નાયકાની ઉંમર 53 વર્ષ હતી. તેમના પરિવારમાં બે દીકરા અને દીકરી છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કારચાલકે ટર્ન મારતા પાછળથી સ્પીડમાં આવતી બાઈક અથડાઈ, બાઈક ચાલકનું મોત
સુરત: અડાજણ વિસ્તારમાં ભુલકા ભવન ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક બાઈક ચાલક ત્રણ સવારી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. એ વેળા એક કારચાલકે ટર્ન મારતાની સાથે જ બાઈક સાથે અકસ્માત થયો હતો. બાઈકની સ્પીડ એટલે હતી કે કાર સાથે અથડાયા બાદ બાઈકચાલક યુવક હવામાં ફંગોળાય જમીન પર પડ્યો હતો. જેથી યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા વિસ્તારમાં આવેલી બારાહજારી મહોલ્લામાં રહેતા જ્ઞાનદાસ ગુપ્તાનો પુત્ર અંતિમ (ઉં.વ.18) ગઈકાલે સ્પોર્ટ્સ બાઈક ઉપર ત્રણ સવારી લઈને આનંદ મહલ રોડ પર ભુલકા ભવન ચાર રસ્તા પાસેથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો.
એ વેળા ગુજરાત ગેસ સર્કલ તરફથી આનંદ મહેલ રોડ તરફ એક કારે ટર્ન માર્યો હતો. તે જ સમયે અંતિમની બાઈક વધારે સ્પીડમાં હોય કંટ્રોલ નહીં રહેતા બાઈક ધડાકાભેર કારમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે અંતિમ કાર સાથે ટકરાયા બાદ હવામાં ફંગોળાય જમીન પર પટકાયો હતો. જેથી તેને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંતિમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તેના બે મિત્રોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.