સુરત: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરત (Surat) શહેરમાં પણ કોંગ્રેસ (Congress) દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામથી આ રેલી યોજાઈ હતી જેમાં પોલીસ (Police) કાર્યકર્તાઓની પાછળ ઘણા કાર્યકર્તાઓ રીતસર દોડતા જોવા મળ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી ના દ્રશ્યો સર્જાયા હતા.
રેલી બાદ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમના કેટલાક કાર્યકરોને પોલીસે માર માર્યો છે અને મહિલા કાર્યકર્તાઓના વાળ પણ ખેંચ્યા છે. રેલીમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દીપ નાયક સહિતના આગેવાનો જોડાયા હતા. એક કાર્યકર્તાને પોલીસ વધુ માર મારતા તેઓને સિવિલમાં ખસેડાયા હતા. કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આ્વ્યુ હતું.
યુવાનોના વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા
અમદાવાદ: યુવાનોના વિશ્વાસઘાત સમાન અગ્નિપથ યોજનાનો કોંગ્રેસ દ્વારા સોમવારે રાજ્ય વ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ધરણા-વિરોધ પ્રદર્શન-સુત્રોચ્ચાર કરી રહેલા સંખ્યાબંધ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કેટલીક જગ્યાએ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉભી થઇ હતી.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યભરમાં 100થી વધુ વિધાનસભા વિસ્તારોમાં અગ્નિપથ યોજનાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સેનામાં ભરતીના સ્થાને અગ્નિપથ યોજનાના બહાને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે. સેનામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો કોંગ્રેસ વિરોધ કરે છે અને સેનામાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માગણી કરે છે.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે ગુજરાતના યુવાનોને કુપોષિત આ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના નેતાઓ પાછળ કરોડો રૂપિયાના તાયફાના બદલે સેના પર ખર્ચ કર્યા હોત તો આજે દેશની સરહદો સુરક્ષિત હોત. નર્યા જુઠ્ઠાણા, ભ્રામક પ્રચાર અને રોચક સુત્રોના જોરે દેશની પ્રજાને ગુમરાહ કરીને પોતાની એકમાત્ર સત્તા કબજે કરવાની મુરાદ પાર પડ્યા પછી ભાજપ છેલ્લા આઠ વર્ષથી દેશને અંધકારની ગર્તામાં ધકેલી રહ્યો છે. પ્રજાના સળગતા પ્રશ્નોથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા વૈમનસ્યપૂર્ણ ભાવનાઓ ભડકાવીને ભાજપ દેશને મુઠ્ઠીભર મુડીપતિઓને હવાલે કરી રહ્યો છે. ભાજપની આ વિનાશકારી નીતિઓના આવા જ નિર્ણયોમાં તાજેતરમાં દેશના બેરોજગાર અને સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો સામે ક્રૂર અને ઘાતક મજાકરૂપે “અગ્નિપથ” નામની યોજના યુવાનો માટે હકીકતમાં તો બરબાદીના પથ જેવી યોજના છે. દેશની રક્ષા કરવા માટે જાત ન્યોછાવર કરવા તૈયાર આપણા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા જ્યાં સુધી “અગ્નિપથ” યોજના રદ કરવામાં નહી આવે ત્યાં સુધી તેનો વિરોધ કરવામાં આવશે.