પહેલગામમાં આતંકવાદીઓના ઘાતકી હુમલા બાદ આખા દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરતા પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા છે અને આ સાથે જ દેશભરના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પાકિસ્તાનીઓ તથા ગેરકાયદે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડી દેશની બહાર કાઢી મુકવા સૂચના આપી છે, તેના પગલે ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે.
શુક્રવારે રાત્રે ગુજરાત પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી મોટી સંખ્યામાં ઘૂસણખોરોને પકડ્યા છે. અમદાવાદમાં 400થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા છે ત્યારે બીજી તરફ સુરત પોલીસે પણ મોડી રાત્રે ઘૂસણખોરો પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓજી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.