SURAT

યુવકને મારવાના મામલે કાપોદ્રા પોલીસના કર્મચારીઓ સામે ગુનો નોંધવાનો હુકમ હાઇકોર્ટે માન્ય રાખ્યો

સુરત: (Surat) કાપોદ્રાના પોલીસના (Police) કર્મચારીઓએ એક યુવકને ઢોર માર મારવાના પ્રકરણમાં સુરતની ટ્રાયલ અને સેશન્સ કોર્ટનો (Court) હુકમ નહીં માનનાર એસીબી સી.કે. પટેલને ફટકાર પડી છે. ગુજરાત હાઇકોર્ટે કાપોદ્રા પોલીસના કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત સુરતની કોર્ટમાં એસીપીની સામે કન્ટેમ્પ્ટની ફરિયાદ (Complaint) પણ કરવામાં આવી છે.

  • કાપોદ્રા પોલીસના કર્મચારીઓ સામે ગુનો નોંધવાનો હુકમ હાઇકોર્ટે પણ માન્ય રાખ્યો : પોલીસની અપીલ નામંજૂર
  • એક યુવકને વગર વાંકે ઢોરમાર મારીને પોલીસે પોતાની ચામડી બચાવી હતી, એસીપી સી.કે.પટેલની સામે પણ કન્ટેમ્પ્ટની ફરિયાદ કરાશે

આ અંગે માહિતી આપતા વકીલ યશવંત વાળાએ કહ્યું હતું કે, તા.16-7-2021ના રોજ મોટા વરાછા પાસે નરસિંહ શેલુભા ગોહિલ નીકળ્યો હતો. ત્યારે કાપોદ્રા પોલીસના કર્મચારીઓ કેટલાક યુવકોને માર મારતા હતા. આ દરમિયાન નરસિંહે પોલીસને કહ્યું કે, સાહેબ ગરીબ લોકોને શું કામ હેરાન કરો છો, તેઓને જવા દો. આ સાંભળીને કાપોદ્રા પોલીસ ઉશ્કેરાટમાં આવી હતી અને નરસિંહને જ પોલીસમથકે લઇ જઇને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને કાપોદ્રા પોલીસના દિલીપભાઇ રાઠોડ, સંજય કણજારીયા, જય, હરદિપસિંહ તેમજ અન્ય સ્ટાફની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે કોઇ ગુનો નહીં નોંધતાં આખરે નરસિંહે વકીલ યશવંતસિંહ વાળા મારફતે સુરતની જેએમએફસી (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ) કોર્ટમાં ફરિયાદ કરી હતી.

અહીં ફરિયાદનો હુકમ થયા બાદ પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી, સેશન્સ કોર્ટે આ અરજી નામંજૂર કરીને પોલીસની સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ કાપોદ્રા પોલીસનો સ્ટાફ ગુજરાત હાઇકોર્ટમાં ગયો હતો. જ્યાં ગુજરાત હાઇકોર્ટે શરૂઆતમાં સ્ટે આપ્યો હતો. બાદ ફરીવાર તેની સામે અપીલ થતાં ગુજરાત હાઇકોર્ટે કાપોદ્રા પોલીસ સ્ટેશનની સામે ગુનો નોંધવા માટેનો આદેશ કર્યો હતો. બીજી તરફ સુરતની જેએમએફસી કોર્ટ, સેશન્સ કોર્ટના હુકમનું પાલન નહીં કરનાર કાપોદ્રા વિસ્તારના એસીપી સી.કે.પટેલની સામે કન્ટેમ્પ્ટની ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે આગામી દિવસોમાં ચુકાદો આવશે.

Most Popular

To Top