SURAT

સુરત: પોલીસ કમિશનરના PA પર હુમલો, ટ્રાફિક ક્લિયર કરવું ભારે પડ્યું, નાકના ભાગે ફ્રેક્ચર

સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી. સુરત શહેરમાંથી કાયદો-વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે. ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર પર બેફામ હુમલો કરવામાં આવ્યો છે. ઘટના નાના વરાછા ઢાળ પાસે બની હતી, જ્યાં ટ્રાવેલ્સ બસોના જમાવડાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

રાત્રે 10 વાગ્યા બાદ ફરજ પૂરી કરીને ઘરે જતાં અક્ષય આહીરને ટ્રાફિક નજરે પડતા તેમણે ફરજભાવથી વાહન રોક્યું અને ટ્રાફિક ક્લિયર કરવા ઉતર્યા. તે સમયે લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલકે મળીને કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને બાદમાં હુમલો કર્યો. કાર ચાલકે અક્ષયનું ગળું પકડી પોતાની પાસે રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો, જ્યારે બસમાંથી ઉતરેલા બે લોકોએ તેમને પકડી રાખ્યા.

હુમલા દરમિયાન અક્ષય આહીરે પોતાનું પોલીસ આઈકાર્ડ બતાવ્યું છતાં હુમલાખોરો અટક્યા નહોતા. આ ઘટનામાં અક્ષય આહીરને નાકના ભાગે ફ્રેક્ચર થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હુમલાખોરની કારમાંથી ભાજપનો ખેસ મળતા ઘટનાએ રાજકીય ચર્ચા પણ જગાવી છે.

કાર માલિકનું નામ દિવ્યેશકુમાર વલ્લભભાઈ કસલા હોવાનું અને તે કતારગામ નારાયણ નગર સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા પોલીસે કાર કબજે કરી કાર ચાલક સહિત ત્રણ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top