SURAT

સજ્જુ કોઠારી ભાગ્યો કે ભગાડાયો? કમિ.અજય તોમરને અંધારામાં રખાયા હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ

સુરત: (Surat) રાંદેર પોલીસ સ્ટેશનમાં સજ્જુ કોઠારીના (Sajju Kothari) ભાગવા પાછળ પોલીસ બેડામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે ખૂબ ચોંકાવનારી છે. તેમાં પીઆઇ ચૌહાણ અને પીએસઆઇ દેસાઇનો ભોગ ભલે લેવાયો હોય, પરંતુ પરદા પાછળના મુખ્ય સૂત્રધારમાં ડી-સ્ટાફ (D Staff) આવી રહ્યો છે. આ મામલે કોઇ સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. પરંતુ અજીતસિંહ અને મહેન્દ્રની ભૂમિકા સામે શંકાની સોય તકાઇ રહી છે. હાલમાં ડીસીપી દ્વારા આ બે કોન્સ્ટેબલના જવાબ લેવાયા છે. પણ પોલીસ બેડામાં હાલમાં આ બે કોન્સ્ટેબલ સામે કોઇ આક્રમક કાર્યવાહી નહીં કરાતાં સૌ ચોંકી ગયા છે. પોલીસમાં જો ઉચ્ચ અધિકારીઓના હાથ હોય તો કોન્સ્ટેબલ (Constable) પણ કમિશનર બની શકે છે, તેવો આ ઘાટ સર્જાયો છે.

  • કમિ. અજય તોમરને અંધારામાં રખાયા હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ
  • કમિ. અજય તોમર કહે છે કોઈને છોડીશું નહીં
  • પીઆઈ ઘરે બેઠા તો પછી ડી-સ્ટાફ શા માટે નહીં

આ ગંભીર મામલે સજજુ કોઠારીએ કોના થકી આખું સેટિંગ કર્યુ એ તપાસનો વિષય બની ગયો છે. અમે ડી-સ્ટાફના મહેન્દ્ર સાથે વાત કરી તો આ મામલે તેણે કાંઇ કહેવા ઇનકાર કરી દીધો છે. અલબત્ત, નાણાંની કોથળીના જોરે ગુજસીકોકમાંથી પણ બહાર નીકળેલો સજ્જુ જે રીતે ભાગી ગયો એ પોલીસ ખાતાની મિલીભગત વગર શક્ય નથી. હાલમાં કરોડો રૂપિયામાં આળોટતો સજ્જુ કોઠારી માટે એવું કહેવાય છે કે તે કોઇ કાળે પોલીસ સાથે સંઘર્ષ કરીને ભાગે તે શક્ય નથી. સજ્જુ કોઠારી એક અંદાજ પ્રમાણે પાંચસો કરોડની જમીનનાં કૌભાંડોમાં સંડોવાયો છે. કમિ. અજય તોમરનો સામનો નહીં કરવો પડે એ માટે તેણે નાણાંની કોથળીઓ ખુલ્લી કરી દીધી હોવાની ચર્ચા છે. અલબત્ત, હાલમાં તો આ મામલે તપાસ કાર્યવાહી ચાલી રહી છે. કમિ. અજય તોમરે જણાવ્યું કે, આ મામલે અમે ઘણાં પાસાં પર તપાસ કરી રહ્યા છીએ. તેમાં કોન્સ્ટેબલ હશે કે ઉચ્ચ અધિકારી હશે, અમે કોઇને છોડીશું નહીં.

સજ્જુ કોઠારીના પોલીસ સાથે પહેલેથી જ સેટિંગ વિવાદમાં હતા
સજ્જુ કોઠારી સાથે કેટલાક કોન્સ્ટેબલોનો પહેલેથી જ ઘરોબો હતો. સજ્જુને તમામ સવલતો આ કોન્સ્ટેબલો આપી રહ્યા છે. આવા ચાર જેટલા અન્ય કોન્સ્ટેબલની પણ તપાસ કરાય તો આખી સેટિંગબાજીની પોલ ખુલ્લી પડી જાય તેમ છે. કમિ. અજય તોમરના ડરથી ફફડતો સજ્જુ વાઘને જોઇને ભાગ્યો હોય તે હકીકત તદ્દન સાચી છે. અલબત્ત, પોલીસખાતામાં બેસેલા મીરજાફરોને કારણે આવા ખુંખાર આરોપીઓ ફરીથી સિફ્તાઇથી છટકી ગયા છે.

Most Popular

To Top