સુરત: સુરત શહેર પોલીસ (Surat Police) કમિશનર અજય કુમાર તોમરનો (AjayKumar Tomar) પ્રજા લક્ષી અભિગમ ખરેખર સરાહનીય છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સંવેદનાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લંડનમાં રહેતા ચીખલીના એનઆરઆઈ વૃદ્ધનું સુરતનું મકાન તેમના ભાણેજે પચાવી પાડ્યું હતું. આ મકાન પરત મેળવવા વૃદ્ધ ઉધના પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા ગયા હતા.
નસીબ સંજોગે તે જ સમયે સુરત શહેર પોલીસ કમિશનર ઉધના પોલીસ સ્ટેશનની સરપ્રાઈઝ વિઝીટ લેવા પહોંચ્યા હતા. વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં અટવાતા જોઈ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે તેઓને પોલીસ સ્ટેશનમાં આવવાનું કારણ પૂછ્યું હતું, ત્યારે એનઆરઆઈ વૃદ્ધે પોતાની કથની પોલીસ કમિશનરને જણાવી હતી. વૃદ્ધની ફરિયાદ સાંભળી તરત જ પોલીસ કમિશનરને અધિકારીઓને દોડાવ્યા હતા અને માત્ર 24 કલાકના ટૂંકા સમયગાળામાં વૃદ્ધને તેમનું મકાન પરત અપાવી ન્યાય કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે મૂળ ચીખલીના વતની 70 વર્ષીય રસિકલાલ પટેલ લાંબા સમયથી લંડન જઈ વસ્યા છે. રસિકલાલે વર્ષ 2014માં સુરતના ઉધના વિસ્તારમાં 9 લાખની કિંમતે એક મકાન ખરીદયું હતું. પોતે લંડનમાં વસવાટ કરતા હોય આ મકાન રસિકલાલ પટેલે રહેવા માટે ભાણેજ અનિલકુમારને આપ્યું હતું. રસિકલાલ પટેલ પોતાના ભાણેજ પાસેથી ભાડુ લેતાં નહોતા. મફતમાં રહેવા આપ્યું હતું. જોકે, જ્યારે રસિકલાલ લંડનથી પરત આવ્યા અને રૂપિયાની જરૂર હોવાથી મકાન પરત માંગ્યું તો ભાણેજ અનિલે તે આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ઉપરથી ભાણેજે મકાન ખાલી કરવા માટે 6 લાખ રૂપિયા માંગ્યા હતા. તેથી મકાનનો કબ્જો પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશનમાં ભાણેજ અનિલ વિરુદ્ધ ફરિયાદ આપવા ગયા હતા જ્યાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરનો તેમને ભેંટો થઈ ગયો અને માત્ર 24 કલાકમાં તેમને ન્યાય મળ્યો.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
70 વર્ષીય રસિકલાલ પટેલે કહ્યું કે, 2015માં મારી બહેનની તબિયત ખરાબ હોઈ અને તેની દવા માટે ઉધનામાં જવું પડતું હોવાથી ભાણેજને મકાન રહેવા આપ્યું હતું. ત્યારે એવી વાત થઈ હતી કે જ્યારે જરૂર હશે ત્યારે અનિલ મકાન પરત કરશે. 2015 બાદ હું લંડન જતો રહ્યો હતો. 7 વર્ષે પરત ફર્યો ત્યારે અનિલે મકાન પરત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને મકાન ખાલી કરવાના બદલામાં 6 લાખ માગ્યા હતા.
પોલીસ કમિશનર અજય કુમારે આ ઘટના અંગે કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં પીએસઓની કામગીરી કેવી હોવી જોઈએ તે તપાસવા ઉધના પોલીસ સ્ટેશન ગયો હતો ત્યારે વૃદ્ધ મળી ગયા. તેઓની પીડા સાંભળી અને તાત્કાલિક ઉકેલ લાવવા પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી છે. વધુમાં પોલીસ કમિશનરને કહ્યું કે 70 વર્ષની ઉંમરે વૃદ્ધને પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા જોઈ મારાથી રહેવાયું નહીં અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો. 4 નવેમ્બરે વૃદ્ધ પરત લંડન જવાના હતા તેથી તેઓ મકાન બાબતે ચિંતામાં હતા. તેમની ચિંતા દૂર કરી તેનો સંતોષ છે.