સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યાં એકબાજુ પોલીસ કમિશનર ગેંગનો સફાયો બોલાવવા માંગે છે ત્યાં ઉધના પોલીસ જાણે આ ગેંગના માણસોને પ્રોટેક્શન આપવા માંગતી હોય તેવી રીતે ગંભીર બાબતને સામાન્ય રીતે લઈ પોલીસ કમિશનરની (Police Commissioner) આંખમાં ધૂળ નાંખવા પ્રયાસ કરી રહી છે. તેમાં સીધી ગેંગવોર થઇ હોવા છતાં અને અજજુ ગેંગના માણસોએ ગંભીર રીતે કાલુ ગેંગના માણસોને ઇજાગ્રસ્ત કર્યા પછી આખો કેસ ઉધના પોલીસે દબાવી દીધો છે. આ ગેંગવોરને (Gang War) સામાન્ય મારામારીમાં ખપાવવામાં આવી છે. ઉધના અને લિંબાયત વિસ્તારમાં પોલીસની આ નાલાયકીને કારણે જ ગેંગવોર જેવી વારદાતને કારણો મળી રહ્યાં છે. કમિ.તોમરે આ મામલે કોઇને નહીં છોડવામાં આવશે તે વલણ સ્પષ્ટ કર્યું છે.
ઉધનાના ભીમનગર આવાસમાં રહેતો 17 વર્ષીય સોમનાથ ઉર્ફે ગોલુ રવિ ઉપાડે ગઈકાલે રાત્રે કરફ્યૂના સમયે રાત્રે 11 વાગે ભીમનગરમાં તેના મિત્રો વિક્કી, વિશાલ, રાહુલ, દિલીપ, મોહન તથા હિરેન જાદવ સાથે ઊભા હતા. ત્યારે દીપક ભોજિયા (રહે., ભીમનગર), સુનીલ (રહે., ભીમનગર), છોટેહિરા (રહે., ભીમનગર) તથા ચકલી (રહે., ખત્રીનગર)એ આવીને દીપક ભોજિયા બોલવા લાગ્યો હતો. તુમ કાલુ ભાઈકે આદમી હો અજ્જુ આયેગા તબ તુમકો મારેગા. જેથી સોમનાથ અને તેના મિત્રો ત્યાંથી નીકળીને બુદ્ધિવિહાર પાછળ રેલવે પટરીની પાસે આવેલા પતરાવાળી રૂમ પર જતા રહ્યા હતા.
આશરે સાડા અગિયાર વાગે હિરેન જાદવ હાથમાં લોહી નીકળતી હાલતમાં દોડતો આવ્યો હતો. હિરેન કંઈ કહે તે પહેલા પાછળથી દીપક, સુનીલ, છોટેહિરા તથા ચકલી રૂમમાં ઘૂસી આવ્યા હતા. ચકલીના હાથમાં તલવાર હતી. અન્યોના હાથમાં ચપ્પુ હતો. બધાએ આવીને સોમનાથ ઉપર હુમલો કર્યો હતો. સોમનાથને માથાની પાછળ તલવારનો ઘા મારી બીજો ઘા ડાબા પગના ઘૂંટણ પાસે માર્યો હતો. તેના મિત્ર રાહુલને પગના પાછળના થાપાના ભાગે ચાકુ માર્યો હતો. જીવલેણ હુમલો કરી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. 108 દ્વારા સોમનાથ, હિરેન તથા રાહુલને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણેય સારવાર હેઠળ છે.
હત્યાનો પ્રયાસ, છતાં મારામારીની હળવી કલમ લગાવી
ઉધના પોલીસની હદમાં ગઈકાલે બનેલી ઘટનામાં દેખીતી રીતે સોમનાથ અને તેના મિત્રો ઉપર જીવલેણ હુમલો થયો છે. યુવકોને તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી મારવાનો પ્રયાસ થયો છે. તેમ છતાં આ ઘટનામાં ઉધના પોલીસે કેસને નબળો પાડવાના ઇરાદે આઈપીસી કલમ 325,324,144 જેવી હળવી કલમો લગાવી છે.