Business

સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને હેલ્મેટ આપ્યા, કાલથી નહીં પહેર્યાં તો દંડ કરાશે

સુરતમાં આવતીકાલે તા. 15 ફેબ્રુઆરી 2025થી ફરજિયાત હેલ્મેટના નિયમો કડક થવા જઈ રહ્યાં છે. હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડ કરાશે. જોકે, તે અગાઉ આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વાહન ચાલકોને ફ્રી હેલ્મેટ વિતરણ કર્યું હતું.

પોલીસ કમિશનરે આજે વેલેન્ટાઈન ડેના અવસરે ખાનગી કંપની સોલેક્સના સહયોગથી કંપનીના કર્મચારીઓ તેમજ જાહેર જનતા માટે ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે, આજના દિવસે આપણે શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ. તે ઉપરાંત એકબીજા પ્રત્યે પ્રેમની લાગણીને પણ યાદ કરીએ છીએ. માર્ગ સલામતી આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. હેલ્મેટ પહેરવું, એ જીવ બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. આ માત્ર કાયદાના પાલનની વાત નથી પણ સાથે-સાથે જીવનનું રક્ષણ કરવાનું મહત્વપૂર્ણ પગલું પણ છે.

અમે તમારા જીવનની પરવાહ કરીએ છીએ તમે પણ તમારા પરિવારની પરવાહ કરો. હું તમામ લોકોને હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર વાહનચાલક બનવા અપીલ કરું છું. વાહનચાલકોએ પોતાની અને પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોક્કસપણે, આપણે સાથે મળીને રસ્તાઓને સલામત બનાવી શકીશું.

હેલ્મેટ વિતરણ કરનાર કંપની સોલેક્સ એનર્જીના ચેરમેન અને એમડી ચેતન શાહે કહ્યું કે, માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સમગ્ર પરિવારની હાલત કફોડી થઈ જાય છે. વ્યક્તિ સુરક્ષિત રહે તો પરિવાર પણ સુરક્ષિત રહેશે. હેલ્મેટ વિતરણ દ્વારા અમે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.

Most Popular

To Top