SURAT

લિંબાયતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસે આઠ વર્ષના બાળકને પણ છોડ્યો નહીં

સુરત: (Surat) લિંબાયતમાં રહેતા એક શ્રમજીવી પરિવારનો આઠ વર્ષીય ભત્રીજા અને તેના કાકાને લિંબાયત પોલીસના (Police) જવાનોએ રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ મથક લઈ જઈ ઢોર માર માર્યો હોવાનો પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે આઠ વર્ષના બાળકને (Child) પણ છોડ્યો ન હતો. આઠ વર્ષીય બાળકે પોલીસ પાસે પાણી માંગ્યું તો મને ગાળો આપી મારા પેટ પર ઊભો રહી ગયો હતો. બાળકના પિતાએ કહ્યું જો બાળકો સાથે પોલીસકર્મી આવો વ્યવહાર કરશે તો અમારું જીવવું મુશ્કેલ બની જશે.

લિંબાયત મીઠી ખાડી નજીક રહેતા અશફાક ખાનનો 8 વર્ષીય પુત્ર રિઝવાન ગુરુવારે રાત્રિના સમયે પિતાને જોવા માટે નીકળ્યો હતો. ત્યારે લિંબાયત પોલીસ આવી પહોંચતાં રિઝવાનને પહેલા પોલીસ ચોકીમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમના કાકા અને રિઝબાનને લિંબાયત પોલીસ મથક લઈ જવાયા હતા. બંનેને લિંબાયત પોલીસકર્મીએ ઢોરમાર માર્યો હોવાનો રિઝવાનના પિતાએ આક્ષેપ કર્યા હતા. રીઝવાને સિવિલમાં જણાવ્યું કે, મેં પોલીસ મથકમાં પોલીસકર્મી પાસેથી પીવા માટે પાણી માંગ્યું ત્યારે મને ગંદી ગંદી ગાળો આપી હતી.

બાદ એક પોલીસ કર્મચારી મારા પેટ પર ઊભો રહી ગયો હતો. અશફાક ખાને સિવિલમાં જણાવ્યું હતું કે, જો આવી જ રીતે પોલીસ કર્મચારીઓ કામ કરશે તો અમારું જીવવું પણ મુશ્કેલ બની જશે. આ બાબતે લિંબાયત પીઆઇએ જણાવ્યું કે, જો લિંબાયત પોલીસકર્મી દ્વારા બાળક અને તેના કાકાને માર મરાયો હોય તો બાળક અને કાકા બંને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે. જે ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરાશે.

Most Popular

To Top