SURAT

ફિલ્મી ઢબે 50 કિલોનું સોનું કહી સુરતના એન્ટીક કલેક્ટરને ઠગવામાં આવ્યો, વિશ્વાસ આવે તે માટે..

સુરત : 40 થી 50 કિલો સોનાના (Gold) પ્રાચીન સિક્કા (Coin) મળ્યા હોવાનુ જણાવીને સુરતના (Surat) એન્ટીક કલેક્ટર સાથે 1.10 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ વાપી પોલીસ મથકમાં (Police Station) છ મહિના પહેલા દાખલ કરવામાં આવી હતી. આ ફિલ્મી ઢબે થયેલા ચિટીંગનો એક આરોપી ડિંડોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. પારસીના જૂના મકાનમાંથી પચાસ કિલો સોનાના સિક્કા હોવાનો દાવો કરીને ચેક કરવા માટે સાચા સોનાના સિક્કા આપ્યા બાદ ફિલ્મી ઢબે એન્ટીક કલેક્ટરને ઠગવામાં આવ્યો હતો. જૂની ઇમારતમાંથી મળી આવેલા આ સિક્કા પ્રાચીન હોવાને કારણે કરોડો રૂપિયા કમાવવાની લાલચમાં એન્ટીક કલેક્ટર આબાદ છેતરાયો હતો. ઠગોની ટોળકી દ્વારા આ કલેક્ટર પાસેથી 1.10 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની વિગત જાણવા મળી છે. ડિંડોલી પોલીસે આરોપી પૈકી એકની ધરપકડ કરી છે. વાપી પોલીસ મથકમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ટોળકીનો એક આરોપી ડિંડોલી પોલીસના હાથે ઝડપાયો છે.

ફિલ્મી ઢબે ચીટરોએ ભિખારીનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઝડપાયો
વડોદરા ખાતે રહેતા “તેના લીડર પ્રભુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ ગુલશન સોલંકી તથા તેની માતા મીરા ગુલસન સોલંકી તથા પ્રભુ સોલંકીની માસીની દિકરી બહેન તેજુ રાઠોડ સાથે મળી વર્ષ ૨૦૧૯ માં આખુ કાવતરૂ ઘડયુ હતુ.ડીંડોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી જુના જકાતનાકા રેલ્વે પટરી પાસેથી આરોપી અર્જુન ઉર્ફે દિનેશ ઉર્ફે ભીમો ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. વાપી જી.આઇ.ડી.સી. હાઈવે ઉપર આવેલ હોટેલમાં સુરત ઉત્રાણ ખાતે રહેતા ગોવિંદભાઈ બોરડા જમવા માટે ગયા હતા. તે વખતે આરોપી દિનેશ સોલંકી મજુરના વેશમાં ગોવિંદભાઈ પાસે ગયો હતો અને ખૂબજ ભૂખ લાગેલ હોય જમવાનું માંગતા તેની પર દયા આવી હતી અને તેને હોટલમાંથી જમવાનું અપાવ્યું હતું. જેથી આરોપી દિનેશ સોલંકીએ ગોવિંદભાઈને એક સોનાનો સિક્કો આપતા ગોવિંદભાઇ ચોંકી ગયા હતા. દરમિયાન તેણે સેલવાસામા પારસીના એક જુના મકાનમાં પાયામાં ખોદકામ દરમિયાન અમોને ઘણાબધા સોનાના સિક્કાઓ મળી આવેલ છે, અમે મફતનું નથી ખાતા તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી ગોવિંદભાઈએ સુરત આવી મહિધરપુરામાં સોની પાસે સિક્કો ચેક કરાવતા અસલ સોનાનો હોવાનું તેમજ ગુગલ ઉપર સર્ચ કરતાં અઢારમી સદીનો સિક્કો હોવાનું જાણવા મળ્યું હતું.

વિશ્વાસ આવે એટલે ચીટરોએ દસ કિલો સોનાના સાચા સિક્કા બતાવ્યા
આરોપીઓ દ્વારા આ પ્લાન એટલોતો જડબેસલાક બનાવામાં આવ્યો હતો કે તેઓએ ગોવિંદભાઇને એન્ટીક સિસ્કા બતાવવા માટે બોલાવ્યા હતા. ત્યા દસ કિલો સોનાના સિક્કા ભરેલી થેલી બતાવી હતી. તેમાંથી ગોવંદભાઇએ પાંચ થી સાત સિક્કા લીઘા હતા. આ સિક્કા ગોવિંદભાઇએ સુરતમાં ચેક કરાવતા આ સિક્કા સાચા હોવાનુ જણાયુ હતુ. તેથી ગોવિંદભાઇને આ ચીટરો પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો. આરોપીઓએ ગોવિંદભાઇને તેઓ પાસે પચાસ કિલો સોનાના સિક્કા હોવાનુ જણાવ્યુ હતુ. ​​​​​​​વેપારી ગોવિંદભાઈને વિશ્વાસ આવી ગયા બાદ આરોપીને ફોન કરી સોનાના સિક્કા લેવાની ઈચ્છા દર્શાવી હતી. જેને લઇ તેઓને વાપી જી.આઇ.ડી.સી. મુક્તિધામ સ્મશાન પાસે બોલાવી રૂપિયા ત્રણ કરોડમાં ૪૦ થી ૪૫ કીલો સોનાના સિક્કા લેવાનું નક્કી કર્યું હતું.

સુરતમાં સિક્કા ચેક કરાવતા પચાસ કિલો સોનાના સિક્કા બોગસ નીકળ્યા
​​​​​​​સોનાના સિક્કા ની ડીલ થઈ ગયા બાદ .જે તે વખતે ગોવિંદભાઈએ એક કરોડ દસ લાખ રૂપીયા રોકડા આપ્યા હતા.અને બાકીના રૂપિયાની વ્યવસ્થા કરીને સુરત ખાતે આરોપીઓને આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ગોવિંદભાઈએ સુરત આવી તમામ સોનાના સિક્કાઓ ફરિવાર સોની પાસે ચેક કરાવતા તે તમામ સિક્કાઓ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ ગોવિંદભાઈ ને છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ફરીવાર વાપી આવી આરોપીઓની તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા.તમામ આરોપી મોબાઈલ ફોન બંધ કરી નાશી ગયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જે બનાવ બાબતે ગોવિંદભાઈએ વાપી ઉધોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપી છેલ્લા ૧૦ માસથી પોલીસની ચકમો આપી નાસતો ફરતો હતો.

Most Popular

To Top