સુરત: કહેવા માટે તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તે માત્ર કાગળ પર જ હોઈ તેવું સૌ કોઈ જાણે છે. આખાય રાજ્યમાં બેરોકટોક દારૂ વેચાય, ખરીદાય અને પીવાય છે. ક્યારેક ક્યારેક પોલીસ દારૂનો જથ્થો પકડી લે છે અને એટલે જ ખેપિયાઓ પણ દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત પોલીસે આજે તા. 8 ફેબ્રુઆરીને બુધવારના રોજ 2.22 લાખના વિદેશી દારૂ, બિયર સાથે બે આરોપીને પકડી તેઓ પાસેથી કુલ 7,36,910 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસે 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ કેસની વિગત એવી છે કે સુરતની ઉધના પોલીસને બાતમી મળી હતી કે વ્હાઈટ કલરના મહેન્દ્ર બોલેરો પીકઅપ વાનમાં બે ઈસમો દારૂના મોટા જથ્થાની ડિલીવરી કરવા ઉધનામાં આવી રહ્યાં છે. આ બંને ઈસમો ભાઠેનાના સંજય નગરમાં રાજેશ ઉર્ફે રામુ સીતારામ યાદવના ત્યાં ખાલી કરવા માટે જઈ રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે સંજયનગરની બહાર ચાર રસ્તા પર વોચ ગોઠવી દીધી હતી. જેવી વ્હાઈટ કલરની બોલેરો પીકઅપ વાન ત્યાં પહોંચી પોલીસે તેને રોકી ઘેરી લીધી હતી. જીજે-15-એટી-5449 નામની આ બોલેર પીકઅપ વાનમાં તપાસ કરતાં તેમાં પાણી ભરવાના 6 ડ્રમ મળી આવ્યા હતા.
ડ્રમની અંદર તપાસ કરતા દારૂનો મોટો જથ્થો છુપાવેલો નજરે પડ્યો હતો. પોલીસે બંને ઈસમો દિનેશ ભેરારામજી બિસ્નોઈ (ઉં.વ. 21, રહે સેલવાસ, મૂળ બાડમેર રાજસ્થાન) અને ઉપેન્દ્ર પરશુરામ રાય (ઉં.વ. 35, રહે નેત્રંગ ગામ કામરેજ, મૂળ છપરા બિહાર)ને પકડી લીધા હતા. ગણતરી કરતા રૂપિયા 2.22 લાખની કિંમતનો દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત બંને ઈસમો પાસેથી ટેમ્પો, મોબાઈલ સહિત કુલ 7, 36,910નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. આ દારૂ ક્યાંથી લાવી રહ્યાં હતાં તે અંગે પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ ચાર જણાના નામ જણાવ્યા હતા. પકડાયેલા આરોપીએએ કહ્યું હતું તેમના માલિક રામજી ઘનશ્યામ રંગાણી (રહે. સુરત)ના કહેવા પર સેલવાસથી દારૂ લઈ ભાઠેનાના સંજયનગરમાં રાજેશ યાદવને આપવા નીકળ્યા હતા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
સુરેશ બિસ્નોઈ (રહે. ફાલીયા ગામ, સેલવાસ, મૂળ રાજસ્થાન) અને મુકેશ મોહનલાલ સુથાર (રહે. ફાલીયા ગામ, સેલવાસ, મૂળ બિકાનેર રાજસ્થાન) દારૂનો જથ્થો સેલવાસના કરમવેલી રોડ ખાતે તેઓને આપી ગયો હતો. ત્યાંથી આ દારૂનો જથ્થો લઈ માલિક રામજી રંગાણીની સૂચનાના આધારે ભાઠેનામાં રાજેશ યાદવને આપવા નીકળ્યા હતા. પકડાયેલા ઈસમોની બાતમીના આધારે પોલીસે ચાર જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.