સુરતઃ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે. થર્ટી ફર્સ્ટની રાત્રિએ લોકો પાર્ટી કરતા હોય છે. પાર્ટી પ્લોટ્સ, ક્લબ, હોટલ્સ અને ફાર્મ હાઉસ પર રેવ પાર્ટીના આયોજન થતા હોય છે. લોકો દારૂ, ડ્રગ્સનો નશો કરતા હોય છે. નશો કરનારાઓને પકડવા માટે આ વખતે સુરત પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે. સુરત પોલીસે રૂપિયા 15 લાખ ખર્ચીને એક નવું મશીન ખરીદયું છે.
સુરત પોલીસ દ્વારા રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ દ્વારા 15 લાખનું મશીન ખરીદવામાં આવ્યું છે. આ મશીનની વિશેષતા એ છે કે પકડાયેલી વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે 60 સેકન્ડમાં જાણી શકાશે.
લાળના સેમ્પલથી માત્ર 1 મનિટમાં ડ્રગ્સ લેનાર પકડાઈ જશે
સુરત પોલીસના એન્ટિ નાર્કોટિક્સ યુનિટે 15 લાખના ખર્ચે રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદયું છે. આ મશીનને સામાન્ય બોલચાલમાં ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર કહેવામાં આવે છે. આ ઈમ્પોર્ટેડ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. તે મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટ છે. તેનો ઉપયોગ સરળ છે. શંકાસ્પદ વ્યક્તિના મોંઢામાથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ મશીનમાં મુક્યાના 60 સેકન્ડમાં ખબર પડી જાય કે જે તે વ્યક્તિએ ડ્રગ્સનો નશો કર્યો છે કે નહીં.
ક્રિસમસ, ન્યુ યરની રેવ પાર્ટીમાં રેડની તૈયારી કરાઈ
એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે, આવનારા દિવસોમાં ક્રિસમસ અને ન્યુ યર પાર્ટી પર અમે હ્યુમન સર્વેલન્સ, ડ્રોન અને ખાસ ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીનની મદદથી રેડ કરીશું. ડ્રગ્સ કે રેવ પાર્ટી ચાલતી હશે ત્યાં દરોડા પાડીશું. આ મશીન મૂવેબલ છે એટલે તેને દરોડાના સ્થળ પર એટલે કે પાર્ટીઓમાં સાથે લઈ જઈશું. 60 સેકન્ડમાં નશાખોરોના રિઝલ્ટ આવી જશે. તેથી ધરપકડનો ગ્રાઉન્ડ મજબૂત બનશે.
અગાઉ કઈ રીતે તપાસ થતી
પહેલાં કોઈ શંકાસ્પદ નશાખોર વ્યક્તિ ઝડપાય તો તેના લોહીના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવતા હતા. તેના રિપોર્ટ માટે 7 દિવસ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ મશીનથી એકસાથે અનેક વ્યક્તિના ટેસ્ટ સ્થળ પર જ કરી શકાશે.