SURAT

બોલો, સુરત પોલીસની નજર સામે જ લિસ્ટેડ બુટલેગર કાર રિવર્સમાં હંકારી ભાગી છૂટ્યો

સુરત: (Surat) પુણા પોલીસના સ્ટાફને લિસ્ટેડ બુટલેગર (Bootlegger) ઈશ્વર વાંસફોડિયા અને તેના માણસે દોડાવી દોડાવી થકવી દીધા હતા. આ બુટલેગરો ફોરવ્હીલરને રિવર્સમાં હંકારી કારને ચાર રસ્તા પાસે ઝાડી-ઝાંખરામાં મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે (Police) ઇનોવા કારના ચાલક, ઈશ્વર વાંસફોડિયા અને પ્રકાશ વાસફોડિયાને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.

  • વરેલી ગામ પાસે ઇનોવા ગાડીને ઝાડી-ઝાંખરામાં ઊભી રાખી બીજી કારમાં બુટલેગરો ફરાર
  • પોલીસે બુટલેગરોને પકડવા છૂટ્ટી લાકડી મારી, પરંતુ બુટલેગરો ભાગવામાં સફળ

પ્રાપ્ત વિગતો મુજબ પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન તેમને માહિતી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા અને તેનો ભાઇ પ્રકાશ વાંસફોડિયા ઇનોવા કારમાં મોટી માત્રામાં દારૂ લાવી રહ્યો છે. આગળ ઇનોવા કાર છે અને પાછળની એક કારમાં પ્રકાશ વાંસફોડિયા પેટ્રોલિંગ કરી રહ્યો છે. પોલીસ નિયોલ ચેકપોસ્ટથી આગળ અંબાબા કોલેજ પાસે ચાર રસ્તા પર વોચમાં હતી. ત્યારે બંને કાર કડોદરા તરફથી આવતી હતી. પોલીસે આ કાર રોકવાનો પ્રયત્ન કરતાં ઇનોવા કારના ચાલકે કાર રિવર્સમાં હંકારી હતી. પોલીસે ગાડી ઊભી રખાવવા માટે છૂટ્ટી લાકડી મારી હતી. જેનાથી ઇનોવા કારને નુકસાન પણ થયું હતું. તેમ છતાં ચાલક ગભરાયા વગર જ ગાડી રિવર્સમાં હંકારતો ગયો હતો.

બંને છેડછા ગામ પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉન બાદ વાંકો-ચૂકો રસ્તો આવ્યો હતો, અને ત્યાંથી આગળ ઓવિયાણ ગામથી બે અલગ અલગ રસ્તા પડ્યા હતા. કારચાલક ઇનોવા કારને ઝાડી-ઝાંખરામાં મૂકી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ પુણા પોલીસનો સ્ટાફ અહીં પહોંચ્યો ત્યારે તેમને બાતમી પ્રમાણેની ગ્રે કલરની ઇનોવા કાર મળી હતી, પરંતુ તેની સાથેની બીજી કાર જોવા મળી ન હતી. તપાસ દરમિયાન ઇનોવા કારમાંથી રૂ.1.48 લાખનો દારૂ તેમજ 5 લાખની ઇનોવા મળી કુલ રૂા. 6.48 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top