સુરતઃ શહેરના યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સના સોદાગરો યેનકેન પ્રકારે સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર કરી રહ્યાં છે. હદ તો એ થઈ છે કે સુરતમાં જાહેર માર્ગ પર ડ્રગ્સની ચાલતી ફરતી દુકાન જ ખુલી ગઈ છે. કારમાં એમડી ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે.બાતમી મળતા પોલીસે રેઈડ કરી ડ્રગ્સ અને કાર સાથે બે આરોપીઓને પકડ્યા છે.
સુરતની ખટોદરા પોલીસે બે આરોપીઓને 3.11 ગ્રામ ડ્રગ્સ સાથે પકડ્યા છે. વિશાલ પ્રકાશચંદ્ર શાહ (ઉં.વ. 45, રહે. 37 સાંઈ આશિષ સોસાયટી, તાડવાડી, રાંદેર) અને મોહંમદ ફારૂક ઈબ્રાહિમ ફ્રુટવાલા (ઉં.વ. 50, રહે. રાણીતળાવ ખાટકીવાડ, લાલગેટ)ને પકડ્યા છે. આ બંને આરોપીઓ અલ્કાઝર કાર (જીજે-16-ડીજી-7077)માં નવજીવન સર્કિલ ઉધના મગદલ્લા રોડ પર ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં હતાં. ખટોદરા પોલીસને બાતમી મળતા પોલીસે રેઈડ કરી બંનેને ડ્રગ્સ અને કાર સાથે પકડી પાડ્યા છે.
નોંધનીય છે કે તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમારે નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન હાથ ધર્યું હતું. તે સમયે શહેરમાં ડ્રગ્સ ઘુસાડનારાઓને શહેરની હદની બહારથી જ ઝડપી લેવામાં આવતા હતા, પરંતુ હવે શહેરમાં ફરી એકવાર ડ્રગ્સના માફિયાઓએ પોતાનો પંજો ફેલાવવાની કોશિષ હાથ ધરી છે. પાનના ગલ્લા, કારમાં હવે ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાવા લાગ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં ખુલ્લેઆમ જાહેર માર્ગ પર કારમાં ડ્રગ્સની દુકાન ખુલી જાય તે ખરેખર શરમની વાત છે.