સુરત: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (Food And Drug Department) અને સુરત પોલીસની (Surat Police) એસઓજી ટીમે આજે વરાછાના એક મેડીકલ સ્ટોરના (Medical Store) માલિકની ધરપકડ કરી છે. આ મેડીકલ સ્ટોર પર ડ્રગ વિભાગ અને એસઓજીએ દરોડા પાડ્યા ત્યારે મેડીકલ સ્ટોરનો માલિક ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર જ દવા વેચતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ ઉપરાંત નશો કરવા માટે ગેરકાયદે રીતે ઉપયોગમાં લેવાતી હોય તેવી ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ તેમજ સીરપની બોટલો પણ મેડીકલ સ્ટોરમાંથી મળી આવી હતી. પોલીસે મેડીકલ સ્ટોરના માલિકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે સુરત એસઓજી પોલીસને સાથે રાખી આજે પર્વત ગામ ખાતે આવેલા પ્રમુખ ડોક્ટર હાઉસમાં આવેલા મેડીકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓનું વેચાઈ થઈ રહ્યું હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. મેડીકલ સ્ટોરમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી પહેલાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક ડમી ગ્રાહકે પ્રિસ્ક્રીપ્શન વગર મેડીકલ સ્ટોર પર જઈ નશાકારક દવાઓની માગણી કરી હતી. મેડીકલ સ્ટોરના સંચાલકે કોઈ પણ પૂછપરછ કર્યા વિના ડમી ગ્રાહકને તે દવાનું વેચાણ કર્યું હતું. આમ આ મેડીકલ સ્ટોર પર પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક દવાનું વેચાણ થતું હોવાની ખાતરી થતા પોલીસ મેડીકલ સ્ટોર પર પહોંચી ગઈ હતી અને મેડીકલ સ્ટોરના સંચાલક માલિક સ્વરૂપ જલારામ દેવાસી (ઉં.વ. 21, રહે. લક્ષ્મીનગર, રેણૂકા ભવન પાસે, વરાછા, મૂળ વતન, માલપુરી, પાલી રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.
પ્રિસ્ક્રીપ્શન વિના આ દવાઓનું વેચાણ કરતા ઝડપાયો
શહેરમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ, સીરપ અને કેપ્સ્યૂલ્સનું બેરોકટોક વેચાણ થતું હોવાની ફરિયાદો મળ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા પોલીસ દ્વારા શહેરના મેડીકલ સ્ટોર્સ પર વોચ રાખવામાં આવી હતી. દરમિયાન પૂણા પર્વત ગામ વિસ્તારમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વિના વેચાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજીના અધિકારીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સંજય સાવલીયાને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ત્યારે પર્વત ગામ પ્રમુખ ડોક્ટર હાઉસમાં બ્લૂમુખ મેડીકલ સ્ટોર પર ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. મેડીકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રીપ્શન વિના આ ડમી ગ્રાહકને નશાકારક દવાનું વેચાણ કર્યું હતું. મેડીકલ સ્ટોર પર અલ્પાઝોલમ, ટ્રામાડોલ, ટેબલેટ અને કેપ્સ્યુલ નંગ 36 ટી અને નશાકારક કોર્ડન સિરપ બોટલ નંગ 16 મળી આવી હતી. આ ઉપરાંત ટ્રામાડોલ, કોડી ક્યોર ટોરેક્ષ, કોડીસ્ટાર વિગેરેનો જથ્થો પણ મળી આવ્યો હતો.