સુરત: શહેરમાં નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આવ્યા બાદ પોલીસની કામ કરવાની સ્ટાઈલ બદલાઈ ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પહેલાં સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરી હથિયારો શોધી કાઢવામાં આવતા હતા પરંતુ હવે પોલીસ ગુનેગારોને હથિયારો જમા કરી દેવા રિક્વેસ્ટ કરે છે અને આશ્ચર્યની વાત એ છે કે ગુનેગારો પણ ડાહ્યા બાળકોની જેમ ઘાતક હથિયારો જાહેર રસ્તા પર પોલીસ પાસે આવીને મુકી જાય છે.
આ આશ્ચર્યજનક બનાવ ગઈ તા. 15મી મેની રાત્રિએ સુરતના ઉધના વિસ્તારમાં બની હતી. અહીં ઉધના પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. ઉધના પોલીસની જુદી જુદી ટીમોએ અલગ અલગ સોસાયટીમાં જઈ માઈક પર ત્રણ ભાષા પંજાબી, હિન્દી અને મરાઠીમાં એનાઉન્સમેન્ટ કર્યું હતું.
પોલીસે અપીલ કરી હતી કે જો તમારા ઘરમાં ઘાતક હથિયારો હોય તો સ્વૈચ્છાએ અહીં આવી જમા કરાવી દો. પોલીસે જીપની આગળ ચાદર પાથરી હતી. આ સાથે પોલીસે કહ્યું કે જો સ્વૈચ્છાએ હથિયાર જમા કરાવી જશો તો કોઈ કાર્યવાહી નહીં થાય પરંતુ જો પછી પોલીસ ચેકિંગ કરે અને તમારા ઘરમાંથી હથિયાર મળ્યા તો કડક કાર્યવાહી કરાશે.
પોલીસની આવી અપીલની કોઈ અસર નહીં થાય તેવું માની લોકો હસી રહ્યાં હતાં પરંતુ પોલીસની અપીલની અસર થોડી જ મિનીટોમાં દેખાવા લાગી. લોકો ઘરમાંથી તલવાર, ધારીયા, ચપ્પુ, છરા, કોયતા જેવા ઘાતક હથિયારો લાવી પોલીસની જીપ આગળ ચાદર પર મુકવા લાગ્યા. 100થી વધુ હથિયારોનો ઢગલો થઈ ગયો હતો. લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો સ્વૈચ્છાએ જમા કરાવી દીધા હતા.
નોંધનીય છે કે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ ગુનેગારોને મેસેજ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કમિશનરની ગર્ભિત ચીમકીની ધારી અસર જોવા મળી રહી છે.