સુરત : છેલ્લાં કેટલાંક દિવસોમાં સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. ખાસ કરીને હત્યા જેવા ગંભીર ક્રાઈમનો રેટ ખૂબ ઊંચો ગયો છે. બે દિવસ પહેલાં પાસોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ ફેશન ડિઝાઈનર યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી નાંખી હત્યા કરી તો ગઈકાલે રવિવારે જિલાની બ્રિજ પર જાહેરમાં દોડાવીને ફિલ્મી સ્ટાઈલમાં પત્ની અને બાળકોની સામે યુવકને ચપ્પુના ઘા મારી રહેંસી દેવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત શહેરના જ રહેવાસી છે અને તેમના જ શહેરમાં હત્યા, બળાત્કાર, લૂંટ અને ચોરી જેવા ગુનાનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે જાણે કાયદો અને વ્યવસ્થા સાવ તળિયે પહોંચ્યા હોવાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે પોલીસ પર આવા ગુના રોકવાનું દબાણ ઉભું થયું છે ત્યારે પોલીસે હવે લોકોને હથિયાર મળતા બંધ થાય તે દિશામાં એક કદમ માંડવાનું નક્કી કર્યું છે.
(Surat) સુરત શહેરમાં ઓન લાઇન (Online) ચાકૂનો (Knife) સપ્લાય જે મળી રહ્યો છે તે બંધ કરાવવા માટે શહેર પોલીસે એમેઝોન (Amazon) અને ફલીપકાર્ટને (Flip kart ) ચેતવણી આપી છે. હાલમાં જે રીતે કાપોદ્રામાં યુવતીની તથા જિલાની બ્રિજ પર જૂનેદની હત્યા થઇ છે તે બાદ શહેર પોલીસ દોડતી થઇ છે. કમિ. અજય તોમરે એમેઝોન અને ફલીપકાર્ટ જેવા ગ્રુપોને ઓન લાઇન શોપિંગ લીસ્ટ પરથી આ મટિરીયલ્સ દૂર કરવા માટે વિનંતી કરી છે. કમિ. અજય તોમરે શહેરના પત્રકારો સાથે ખુલ્લી ચર્ચા કરી હતી. તેમાં તેઓએ જણાવ્યું કે શહેરના કેટલાક વિસ્તારોમાં જે રીતે ગેંગવોર અને હત્યા નાની નાની વાતોમાં થઇ રહી છે તે ગંભીર બાબત છે. રેમ્બો જેવા ચાકૂ શહેરમાં સરળતાથી લોકો પાસે મળી રહ્યા છે, તે ચોંકાવનારી બાબત છે. છેલ્લા વર્ષમાં પાંચ હજાર કેસો ચાકૂ જેવા હથિયાર રાખનારાઓ સામે કરાયા છે.
શહેર પોલીસ હરકતમાં આવી
- શહેરમાં તમામ પોલીસ મથકોને સાંજના છ થી આઠ સુધી સ્પેશિયલ મુવ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
- આ ઉપરાંત પાંડેસરા, લિંબાયત, ડિંડોલી જેવા ખૂંખાર વિસ્તારોમાં પણ પોલીસને સરપ્રાઇઝ ચેકીંગ કરવા માટે આદેશ અપાયા છે.
- આ વિસ્તારોમાં શાળા અને ટયૂશન કલાસમાં વિદ્યાર્થીઓ હથિયાર તો નથી લાવતાને તેનું વેરિફાય કરવા માટે જણાવાયું છે.
- આ ઉપરાંત શહેરમાં આવતા ચાકૂ જેવા હથિયારોને રોકવા માટે શહેર પોલીસ પ્રયાસ કરશે
- શહેર પોલીસે હાલમાં જે રીતે હત્યાનો દોર શરૂ થયો છે તે અટકાવવા માટે આક્રમક કાર્યવાહી કરવા માટે આદેશ અપાયા છે.