વલસાડ : સુરત (Surat) વન વિભાગમાં નોકરી (Job) કરતો બીટગાર્ડ સેલવાસમાં મિત્રો (Friends) સાથે ફરવા ગયો હતો. જ્યાં તે દારૂ (Alcohol) પીને વલસાડના (Valsad) ઢાબા પર ખાવા રોકાયો હતો અને ત્યાં તેની પોલીસ (Polcie) સાથે મગજમારી થઇ ગઇ હતી. જ્યાં તેણે પોતાની ઓળખ સુરત પીઆઇ (Surat PI) તરીકે આપતા મામલો ગરમાયો અને રૂરલ પોલીસે તેને ધક્કે ચઢાવી પોલીસમાં બેસાડી તપાસ કરતાં તેની પોલ ખુલી ગઇ હતી અને પોલીસે તેને અને તેના 4 મિત્રોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ માટે ધરમપુર ચોકડીથી નિકળી હાઇવે પર ફરીને પુરોહિત ઢાબા પર પહોંચી હતી. જ્યાં સફેદ ક્રેટા કાર (નં.GJ-08-BN-9399)માં પોલીસનું બોર્ડ માર્યું હતુ અને હોટેલમાંથી કેટલાક યુવાનો દારૂના નશામાં કાર પાસે આવ્યા હતા. જેને જોઇ રૂરલ પોલીસે તેમની ઓળખ પુછતાં તે પૈકીના એક યુવાને પોતાની ઓળખ સુરત પીઆઇ તરીકે આપી હતી અને સામે પોલીસના આઇકાર્ડ માંગ્યા હતા.
રૂરલ પોલીસે પોતાના આઇકાર્ડ બતાવ્યા પરંતુ યુવાન કાર્ડ બતાવી શક્યો ન હતો અને પોલીસને અવગણી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેમને પકડી તેમની પુછતાછ કરી કારની તપાસ કરી હતી. જેમાં પોલીસને કારમાંથી હરદીપ પ્રદિપ ઇસરાણીનું ફોરેસ્ટનું આઇકાર્ડ મળી આવ્યું હતુ. આ સાથે તેના નામની લાઇસન્સ વાળી એક રિવોલ્વર અને એક ખોટી રિવોલ્વર પણ મળી આવી હતી. જેની પુછતાછમાં હરદીપ સુરત વન વિભાગમાં બીટગાર્ડની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતુ. તેની કારમાંથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી. જેને પણ પોલીસે કબજે કરી હતી.
આ સાથે તેની સાથે તેના મિત્રો ઉચિત દિપક કકડ (રહે. ખુશી બંગલો, અડાજણ કેનાલ રોડ, સુરત), ચંડીદાન ઉર્ફે ચંદ્રેશ કાનજીભાઇ માંધલ (રહે. વૃંદાવન એપાર્ટમેન્ટ, એચ. ડી. જૈન સ્કૂલ પાછળ, સુરત), કુલદીપ દેવસીંગ ઇસરાણી ગઢવી (રહે. પાલનપુર, બનાસકાંઠા) અને જીમ્મીત રહેમતુલ્લા રિમાણી (રહે. કરીમબાગ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત)ને પણ પોલીસે પકડી પાડ્યા હતા. આ તમામ સેલવાસ ફરવા ગયા હતા. જ્યાં દારૂનો નશો કરીને આવ્યા હતા. તેમજ વલસાડના પુરોહિત ઢાબા પર ખાવા માટે રોકાયા હતા. જ્યાં તેમને પોલીસનું બોર્ડ અને પોલીસ સાથે મગજમારી કરવાનું ભારે પડ્યું હતુ.