સુરત: સુરતના (Surat) પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે બુધવારે 36મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારંભને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, રમતગમતની ઈવેન્ટ્સ એક મહાન રાષ્ટ્રીય એકતાનું કામ કરે છે, જેમાં વિવિધ રાજ્યોમાંથી રમતવીરો એકત્ર થાય છે અને આજીવન સંબંધોનું નિર્માણ કરે છે તથા તેમની વચ્ચે મજબૂત ભાઈચારાની ભાવના જન્મે છે. વડાપ્રધાનના પ્રયાસોને પગલે દેશમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
”માત્ર ૩ મહિનામાં નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરીને ગુજરાતે પોતાની અપ્રતિમ ક્ષમતા સાબિત કરી છે, એટલે જ ગુજરાતની માટીમાં કંઈક તો છે, જેનો પરચો દુનિયાભરને અવારનવાર થતો રહે છે. ગુજરાતનું આ સફળ આયોજન ભારત હવે ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન કરવા સક્ષમ હોવાની સાબિતી પૂરી પાડે છે” એમ ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં રમતગમતની માળખાગત સુવિધાઓમાં થયેલા નોંધપાત્ર વિકાસનો ઉલ્લેખ કરીને ઉપ રાષ્ટ્રપતિ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરીને તેમણે કહ્યું હતું કે, દેશમાં ઊભરતી રમતગમતની પ્રતિભાઓને ઉચિત તકો પ્રદાન કરવા અને યોગ્ય માવજત કરવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, યોગ્યતા અને નિષ્પક્ષ પસંદગી દ્વારા સંચાલિત નવી રમતગમત સંસ્કૃતિ એ એક ગેમ ચેન્જર છે.
પોતાના સંબોધનમાં ધનખડે હૃદયદ્રાવક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા હોકી ટીમના દરેક સભ્ય સાથે તેઓ ટોક્યો ઓલિમ્પિક્સમાં સહેજ માટે ચંદ્રક ચૂકી ગયા બાદ વ્યક્તિગત રીતે વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજય કે પરાજયથી પણ વધુ, તે ખેલદિલી છે જે મહત્ત્વની છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ આ તેમની ગુજરાતની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ગુજરાતના સપૂતો દ્વારા આઝાદી પહેલાના અને સ્વતંત્ર પછીના યુગમાં ઐતિહાસિક યોગદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ગોલ્ડની ટંકશાળ પાડતા તરવૈયાઓ કેરળના સાજન પ્રકાશ અને કર્ણાટકની હાશિકા રામચંદ્રને અનુક્રમે પુરુષ અને મહિલા કેટેગરીમાં શ્રેષ્ઠ એથ્લિટ્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ત્રણ દિવસના પ્રવાસે સુરત આવી પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડો.સુદેશ ધનખડનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ અને અન્યો દ્વારા સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત ગાયકો ઈશાની દવે, ચિરાગ ઠક્કર, અમી અઢિયા, કેયુર વાઘેલાએ સુમધુર ગાયકી દ્વારા દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, નાણામંત્રી કનુ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, કૃષિ, ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ), સાંસદ પ્રભુ વસાવા, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, કલેક્ટર આયુષ ઓક, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજય તોમર, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, ધારાસભ્યો, ઇન્ડિયન ઓલિમ્પિક એસો., સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ, રમતગમત વિભાગના અધિકારીઓ, ખેલાડીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોર્ટ્સ, વ્યાપાર અને શિક્ષણમાં હરીફાઈ હોવી જરૂરી છે: લોકસભા સ્પીકર ઓમ બિરલા
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, ખેલકૂદના મેદાનમાં રમતવીરોને નવી ઊર્જા અને શક્તિ મળતી હોય છે. આ ઊર્જા જ તેમના જીવનમાં નવા જોમ-જુસ્સા સાથે આગળ વધવાની પ્રેરણા આપતી હોય છે. ‘ફિટ ઈન્ડિયા’, ‘ખેલો ઈન્ડિયા’ કેમ્પેઈનના માધ્યમથી દેશ અને દુનિયામાં પરંપરાગત અને આધુનિક રમતોમાં ભારતના ખેલાડીઓએ પોતાની ક્ષમતાઓ દર્શાવી છે. નેશનલ ગેમ્સ જેવી સ્પર્ધાઓ દુનિયામાં ભારતના ગૌરવ અને સન્માન વધારશે. સ્પોર્ટ્સ, વ્યાપાર અને શિક્ષણમાં હરીફાઈ હોવી જરૂરી છે, પણ તે તંદુરસ્ત સ્પર્ધા બને તે આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
90 દિવસમાં નેશનલ ગેમ્સનું આયોજન પાર પાડવું એ એક પડકારથી ઓછું ન હતું: ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના ખૂણેખૂણેથી ગુજરાત આવેલા ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં રમ્યા એટલું જ નહીં, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના રંગે રંગાઈને નવલી નવરાત્રિમાં ઉત્સાહથી ગરબે પણ ઘૂમ્યા, જે ગુજરાત માટે યાદગાર સંભારણું બની રહેશે.
ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર આયોજિત નેશનલ ગેમ્સની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, માત્ર 90 દિવસમાં નેશનલ ગેમ્સનું આયોજન પાર પાડવું એ એક પડકારથી ઓછું ન હતું, પરંતુ વડાપ્રધાને પડકારો, આફતોને અવસરમાં બદલવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. જેને અનુસરીને પડકારને ઝીલ્યો અને સફળતા આપણી સામે છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન અંતર્ગત રાજ્ય સરકારે ટૂંકા ગાળામાં તમામ તૈયારીઓને પૂર્ણ કરી જે ઐતિહાસિક સિદ્ધિ છે.
એક સમયે દેશમાં ગુજરાતી પ્રજા એટલે દાળભાત ખાનારી અને વ્યાપારી પ્રજા હોવાની છબિ હતી એ વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ છેલ્લા બે દાયકામાં સ્પોર્ટ્સ પ્રોત્સાહક નીતિ અને સુવિધાઓ ઊભી કરી, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ખેલમહાકુંભ જેવા નવતર આયામોથી ગુજરાતના યુવાનોમાં ખેલકૂદની ચેતના પ્રગટાવી, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતની નેશનલ ગેમ્સમાં 12 ગોલ્ડ સાથે કુલ 46 મેડલ જિત્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સેલ્ફી પડાવવા યુવાનોની પડાપડી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 36મી નેશનલ ગેમ્સના સમાપન સમરોહ દરમિયાન ઇનડોર સ્ટેડિયમમાં બેસેલા યુવાનોને મળવા પહોચી ગયા હતા. તેમણે આખા સ્ટેડિયમનો રાઉન્ડ લીધો હતો. યુવાનોએ તેમની સાથે સેલ્ફી પાડવા માટે દોડાદોડી, પડાપડી કરી હતી.
કોઈ સપનામાં ન વિચારી શકે એ રીતે વડાપ્રધાન મોદીએ ધારા-370 રદ કરી બતાવી: ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ અને શાસનની કાર્યક્ષમતા સાબિત કરી છે. 20 કરોડ ઉજ્જ્વલા ગેસ કનેક્શન, 40 કરોડ નાગરિકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડાણ તેમજ ધારા ૩૭૦ની ઐતિહાસિક નાબૂદી એ તેનું જ્વલંત ઉદાહરણ છે. વડાપ્રધાને પ્રત્યેક ભારતીયને ભારતીયતાનું ગૌરવ અપાવ્યું છે.
કોઈ સપનામાં ન વિચારી શકે એ રીતે વડાપ્રધાન મોદીએ ધારા-370 રદ કરી બતાવી: ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ અને શાસનની કાર્યક્ષમતા સાબિત કરી છે. 20 કરોડ ઉજ્જ્વલા ગેસ કનેક્શન, 40 કરોડ નાગરિકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડાણ તેમજ ધારા ૩૭૦ની ઐતિહાસિક નાબૂદી એ તેનું જ્વલંત ઉદાહરણ છે. વડાપ્રધાને પ્રત્યેક ભારતીયને ભારતીયતાનું ગૌરવ અપાવ્યું છે.