સુરત: (Surat) સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ (Textile Traders) દ્વારા બુધવારે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. ભવ્ય તિરંગા યાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જણાવ્યું હતું કે ભારતના તિરંગામાં માત્ર ત્રણ જ રંગો નથી પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે. આપણો ત્રિરંગો ભારતની એકતા ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતિક છે. તેમણે સુરતીઓના ઉત્સાહ અને જુસ્સાને બિરદાવતા જણાવ્યું હતું કે સુરત એક વાર સંકલ્પ કરે છે તો તેને કોઈપણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકત ધરાવે છે.
- વડાપ્રધાન મોદીએ સુરતીઓના જુસ્સાની સરાહના કરી
- મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર
- સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવના જીવંત કરી છે
તિરંગા યાત્રાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતિક છે. સુરતે હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે. તેમણે સુરતીઓ અને ખાસ કરીને કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા કહ્યું કે સુરત એક વાર સંકલ્પ કરે છે તો એને કોઈ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે. મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે. સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવના જીવંત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાને મહાત્મા ગાંધીજીને યાદ કરતા કહ્યું કે બાપુના રૂપમાં ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આઝાદી પછી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો પાયો નાંખનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નાયકો ગુજરાતે આપ્યા છે. સ્વતંત્રતા સેનાનીઓએ તિંરગામાં દેશના ભવિષ્ય અને સ્વપ્નાઓ જોયા હતા. આઝાદીના અમૃત્ત કાળમાં પણ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની એકતા અને ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. તિરંગો રાષ્ટ્રભાવનાની શક્તિ અને ભક્તિની પ્રતીતિ કરાવે છે. તેમણે કહ્યું- આઝાદીનો અમૃત મહોત્સવ નવા સંકલ્પો અને નવી ઉર્જા આપશે. જનભાગીદારીના અભિયાનમાં નવા ભારતની બુનિયાદને મજબુત કરશે.
સુરતીઓ વિષે વડાપ્રધાને કહી આ વાત
વડાપ્રધાને સુરતીઓની રાષ્ટ્રભક્તિ અને કાર્યશૈલીને બિરદાવતા કહ્યું કે સુરત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે, તેના મૂળમાં સુરતીલાલાઓ છે. તા.૧૩ થી ૧૫મી દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં દરેક જાતિ પથના લોકો એકતાની ભાવના સાથે જોડાઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવા બદલ ‘સેવા હી લક્ષ્ય’ ગ્રુપના શ્યામાપ્રસાદ બુધિયા, સ્વયંસેવકો, ઉદ્યોગકારોને અભિનંદન પાઠવ્યા હતા.