સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે એટલેકે રવિવારે ગુજરાતમાં (Gujarat) છે. નેત્રંગ, ખેડામાં જાહેરસભા સંબોધ્યા બાદ પીએમ મોદી સુરત પહોંચ્યા હતા. લગભગ સાંજે પોણા છ કલાકે તેઓ સુરત એરપોર્ટ (Surat Airport) પહોંચ્યા હતા. જ્યાંથી સાંજે તેઓનો કાફલો સુરતના રસ્તાઓ પર નિકળ્યો હતો. સંપૂર્ણ સુરક્ષા સાથે પીએમનો કાફલો પોતાના નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુરતીઓએ મોદી… મોદી… ના નારા લગાવી પીએમના વધામણાં કર્યા હતા. લોકોએ ચિચિયારીઓ પાડી મોદીને આવકાર્યા હતા. સમગ્ર સુરત શહેરમાં જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પીએમ મોદી થોડા થોડા સમયે પોતાના વાહનમાંથી બહાર નિકળી લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતા.
મોટા વરાછામાં (Mota Varacha) જાહેર સભાને સંબોધતા પહેલાં મોદી એરપોર્ટથી સભા સ્થળ સુધી રોડ માર્ગે નિકળ્યા હતા. મોદી દ્વારા કારમાં બેઠા-બેઠા જ લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું. અગાઉ મોદીના રોડ શો માટે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ઠેરઠેર ટ્રાફિક જામ થવાની સ્થિતીને જોતાં આખરે રોડ શોનું આયોજન પડતું મુકવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનો કાફલો જે રોડ પરથી પસાર થયો ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે રસ્તા પર બેરિકેડ લગાડી દેવામાં આવ્યા હતાં. મોદીનો કાફલો ધીરેધીરે જઈ રહ્યો હતો અને રસ્તામાં છ જગ્યા પર બનાવવામાં આવેલા સ્ટેજ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીની સભાનું એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે તેને કારણે પાટીદાર મતદારો ધરાવતી છ વિધાનસભા બેઠકોને અસર કરશે.
પ્રધાનમંત્રીના સ્વાગત અને નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા ગોપીન ગામ ખાતે સભા સ્થળ સુધી એમના 30 કિલોમીટર લાંબા રૂટ પર બાય રોડ નિકળ્યા હતા. જેને કારણે રોડની બંને બાજુએ બેરીકેડ લગાડી દેવાયા હતા. સુરત શહેરના રસ્તા મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યા હતા.