સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) 71મા જન્મદિન (Birthday) નિમિત્તે સુરતમાં નમોત્સવ (Namotsav) કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં લોક કલાકાર સાંઈરામ દવે દ્વારા મોદીના જન્મસ્થાન વડનગરથી લઈ વડાપ્રધાન સુધીની સફરનું ગીતો અને વાતો સાથે પ્રસ્તુતિ કરાશે. 17મી સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે સંજીવકુમાર ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાશે, જેમાં આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે. મંચને વડનગરની થિમ પર સજાવવામાં આવશે. કેક કટિંગના બદલે જલેબીની કટિંગ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીના જીવન સફરને જીવંત કરશે.
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસ નિમિતે “નમોત્સવ’’નું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ બની રહે એ માટેનો નિર્ધાર પહેલેથી જ કર્યો હતો. ગુજરાતના જાણીતા અને લોકપ્રિય લોક કલાકાર સાંઈરામ દવેને સુરત ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. કલાકારોએ એવી સુંદર કૃતિ રજૂ કરશે કે એ કૃતિના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીના જીવન સફરને મંચ પર જીવંત કરશે. સાથે ને સાથે જ કલાકારો ભારત અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાના સૌને દર્શન કરાવશે.
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જન્મદિવસ અવસરે કેક કટિંગ કરી સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે, પણ આ પ્રસંગે કેક કટિંગના બદલે જલેબીની કટિંગ કરાશે. આ માટે ખાસ 71 કિલોની એક વિશાળ જલેબી બનાવવામાં આવી છે. જે કટિંગ કર્યા પછી અનાથાશ્રમનાં બાળકોમાં વેહેંચવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે. જે વિશ્વભરના લોકો નિહાળી શકશે. તેમજ આ કાર્યક્રમ થકી મનપા સંચાલિત સુમન શાળામાં અભ્યાસ કરતાં 71 બાળકોને દત્તક લેવામાં આવશે. જેઓ સી.એ. બનવા માંગે છે અને આ બાળકોના સીએનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ ભોગવશે.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રામની આરતી કરવામાં આવશે. સુરત શહેરમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વેક્સિનેશનનો રેકોર્ડ બનાવવામાં આવશે. સુરત મનપા દ્વારા એક જ દિવસમાં 1.32 લાખ લોકોને વેક્સિન આપવામાં આવશે. જે અત્યાર સુધીનો રેકોર્ડ હશે. મનપા દ્વારા તમામ વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન મુકાવવા આવનારને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાશે અને મહત્તમ વેક્સિનેશન કરી ઉજવણી કરાશે.