સુરત: ક્રિકેટ (Cricket) અનિશ્ચિતતાની સાથે નસીબની રમત માનવામાં આવે છે. ઘણા ખેલાડીઓ (Players) ફર્સ્ટ ક્લાસ મેચ રમી રણજી ટ્રોફીથી આગળ વધી શકતા નથી. તો કેટલાક ખેલાડીઓ બે-ચાર મેચથી ક્લિક થતા હોય છે. પણ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નેટ બોલર તરીકે પહોંચેલા J&Kના વિવ્રાંત શર્માને અનાયાસે નેટમાં બેટિંગ કરવાની તક મળતાં શર્માને હૈદરાબાદના સ્ટાર બોલરોને ઝૂડતા જોઈ સનરાઈઝરના પસંદગીકાર ટોમ મૂડી અને બ્રાયન લારાની આંખો પહોળી થઇ ગઇ હતી.
હૈદરાબાદના પસંદગીકારોએ આવા ટેલેન્ટેડ ખેલાડીને તક આપવા IPLની 2022ની સિઝનમાં 20 લાખની લોએસ્ટ કિંમતે લેવાનો નિર્ણય લીધો હતો. પણ એ પછી રણજીની બે-ત્રણ મેચમાં જમ્મુ અને કાશ્મીરની ટીમનો લેફ્ટી ઓલરાઉન્ડર વિવ્રાંત શર્મા બેટિંગ-બોલિંગ બંનેમાં ઝળક્યો હોવાથી શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડરે પણ આ ખેલાડીને લેવા બોલીમાં સ્પર્ધા કરતાં KKRને લીધે હૈદરાબાદને શર્મા 2.6 કરોડમાં પડ્યો છે. નેટમાં હાર્ડ હિટિંગ કરી રહેલા વિવ્રાંત શર્માને ટોમ મૂડી અને બ્રાયન લારાએ જોતાં જ જમ્મુ-કાશ્મીર રણજી ટીમના ખેલાડી નેટ બોલર વિવ્રાંત શર્માની કિસ્મત બદલાઈ ગઈ છે.
સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રેલવે વર્સીસ જમ્મુ-કાશ્મીરની મેચ પૂરી થયા પછી એસડીસીએના પ્રમુખ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટર અને ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈ તથા જમ્મુ કાશ્મીરની ટીમના મેનેજર રાજનસિંઘની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન આઈપીએલમાં થયેલી પસંદગી વિશે વિવ્રાંત શર્માએ કહ્યું હતું કે, 2022ના પ્રારંભમાં મારા સાથી ખેલાડી અબ્દુલ સમદની ભલામણથી સનરાઇઝર્સ માટે નેટ બોલર હતો, હેન્ડી લેગસ્પિન બોલિંગ કરતો હતો. ત્યાં જ તાલીમ સત્ર દરમિયાન જ્યાં રિઝર્વ ખેલાડીઓ રેન્જ હિટિંગ કરી રહ્યા હતા. ત્યારે હૈદરાબાદ સનરાઈઝરના બોલરો સામે નેટમાં મોટી હિટ કરવાની ઝલક આપી હતી. આ હિટિંગ પસંદગીકારોને ગમી હતી.
વિવ્રાંત શર્માએ કહ્યું હતું કે, સનરાઇઝર્સ હૈદરાબાદ IPL ડીલ સાથે તેના ભાઈનું સપનું જીવે છે. આ બધુ મારા ભાઈના બલિદાનને કારણે છે. અન્યથા હું અહીં ન હોત. મારી નાની વયે પિતાનું અવસાન થયા પછી મારા ભાઈ અને મમ્મીએ ક્રિકેટ પર ફોક્સ આપવા કહ્યું હતું. 12 વર્ષની વયથી ક્રિકેટ રમી રહ્યો છું. રણજી ટ્રોફીમાં ગુજરાતને મળેલી હાર બાદ વિવ્રાંત શર્મા અમદાવાદની એક હોટલમાં પેકિંગ કરી રહ્યો હતો. ત્યાં ટીવી પર બેકગ્રાઉન્ડમાં આઈપીએલની હરાજી ચાલી રહી હતી, પરંતુ જ્યારે કેપ્ડ પ્લેયર્સના સેટ પૂરા થયા ત્યારે જ તેને જાણ થઈ કે, તેનું નામ ટૂંક સમયમાં સામે આવશે. જમ્મુ અને કાશ્મીરના 23 વર્ષીય ઓલરાઉન્ડરે પોતાની પસંદગી માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સને તેની સેવાઓ માટે લડતા જોયા હતા. 20 લાખથી શરૂ થયેલી બોલી હૈદરાબાદ સનરાઈઝરે 2.6 કરોડ સુધી ખેંચી હતી.
વિવ્રાંતે કહ્યું આ ‘અકલ્પનીય’ હતું. સૌથી પહેલાં મેં મારા મોટા ભાઈ વિક્રાંતને ફોન કરી જાણ કરી હતી. જેણે મને ક્રિકેટર બનવાની પ્રેરણા આપી હતી. વિક્રાંત ફાસ્ટ બોલર બનવાની ઈચ્છા રાખતો હતો અને તેણે તેની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પરંતુ 2020માં તેમના પિતા સુશાંત શર્માના અવસાન બાદ પરિવારના કેમિકલ બિઝનેસનું સંચાલન કરવા માટે તેણે ક્રિકેટ છોડી દીધું હતું. ‘મારું ક્રિકેટ બંધ થઈ ગયું હોત, પરંતુ વિક્રાંતે ખાતરી કરી કે તે સતત ચાલુ રહે. કારણ કે, તેણે પારિવારિક વ્યવસાય સંભાળ્યો અને મારા દ્વારા તેનાં સપનાં જીવવાનું શરૂ કર્યું’, વિવ્રાંતે કહ્યું: ‘આ બધું મારા ભાઈના બલિદાનને કારણે છે. અન્યથા હું અહીં ન હોત. હું અભ્યાસમાં સારો ન હતો, તાજેતરમાં મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.’
સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા પસંદગીનો ઈશારો થયા પછી વિવ્રાંત શર્માએ રણજી મેચોમાં આ રેકોર્ડ બનાવ્યા
ઓક્ટોબર-2022માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ડોમેસ્ટિક T20 દરમિયાન તેની ક્ષમતાનો વધુ પુરાવો આપ્યો, જ્યારે તેણે 145.45ના સ્ટ્રાઈક રેટથી ચાર ઇનિંગ્સમાં 128 રન બનાવ્યા. ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમની સુસ્ત પીચ પર 148 રનનો પીછો કરવા માટે વિવ્રાંત નીચલા ક્રમ સાથે બેટિંગમાં આવ્યો ત્યારે J&Kની ટીમે 6 વિકેટે માત્ર 31 રન બનાવ્યા હતા. વિવ્રાંતે આક્રમક રમત દર્શાવી 46 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. પણ J&K મેચ હારી ગયું હતું. ઉપરાંત વિવ્રાંતે 4.80ની ઇકોનોમીમાં છ વિકેટ ઝડપી હતી. એ પછી વિજય હઝારે ટ્રોફીમાં તે 56.42ની એવરેજ અને 94.72ની સ્ટ્રાઇક રેટ સાથે આઠ ઇનિંગ્સમાં 395 રન સાથે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આમાં ઉત્તરાખંડ સામે 124 બોલમાં 154 રનનો સમાવેશ થાય છે. વિવ્રાંતને લીધે J&Kને પ્રારંભિક ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી.
આ નંબરો જોતાં હૈદરાબાદ આઈપીએલ ડીલમાં એનો સમાવેશ કરશે જ એવી આશા હતી અને થયું પણ એવું જ. વિવ્રાંતે કહ્યું કે, ‘મેં ક્યારેય આટલી રકમની અપેક્ષા નહોતી કરી. મને આશા હતી કે, કોઈ મને પસંદ કરશે.’ વિવ્રાંત યુવરાજ સિંહનો પ્રશંસક છે. તે ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનો પણ આભાર માને છે. જેઓ બે સિઝન માટે J&Kના માર્ગદર્શક હતા. ઇરફાનના સમર્થન માટે તેણે કહ્યું કે, ‘ખુદ ડાબોડી હોવાને કારણે ઈરફાને પણ મને ઘણો પ્રભાવિત કર્યો છે. તેઓ ખૂબ સારા ખેલાડી અને કોચ છે. તેઓ હજી મારા સંપર્કમાં છે. મને ખાતરી છે કે, તે આજે ખૂબ જ ખુશ હશે.’ અત્યારે મારે રણજી મેચોમાં સારો દેખાવ કરવો છે. અહીં ઘણું શીખવાનું મળે છે.