SURAT

સુરત જિલ્લાના 1.38 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે

સુરતઃ સુરત જિલ્લામાં ‘કિસાન ભાગીદારી, પ્રાથમિકતા અમારી’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૨થી ૧/૫/ ૨૦૨૨ દરમિયાન કિસાન ક્રેડિટ કેમ્પ (KCC) શરૂ કરવામાં આવશે. આ કામગીરીના આયોજન અર્થે કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિ (DCC)ની ખાસ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ અને તેના યોજનાના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી.

પી.એમ.કિસાન હેઠળ સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.38 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. જે તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ હેઠળ આવરી લેવા માટે ઝુંબેશના રૂપે આયોજન કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. કિસાન ક્રેડિટ હેઠળ આવરી લેવા માટે જિલ્લાની ગ્રામીણ અને શહેરી બેંકોની તમામ શાખાઓને પીએમ કિસાન યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોની યાદી આપવામાં આવી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ‘કિસાન ભાગીદારી-પ્રાથમિકતા અમારી’ નામનું અભિયાન શરૂ કરી ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભ તળે આવરી લેવાની નેમ છે. KCC પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરતી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે તા.૨૪/૪/૨૦૨૨થી ૧/૫/૨૦૨૨ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર બેંક અને સંબંધિત કચેરીઓ સાથે સંકલન કરી આ અભિયાન અસરકારક બનાવશે. વધુમાં સંબંધિત તમામ અધિકારી/કર્મચારીઓ ખેડૂતો સાથે સંપર્ક કરી યોજના વિશે માહિતગાર કરી મહત્તમ લાભ મળે રહી એ માટેના પ્રયાસો કરવામાં આવશે.

કોસંબા શાકમાર્કેટ તરસાડી ખાતે ખસેડવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખને લેખિત ફરિયાદ
હથોડા: કોસંબા ખાતે પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં સુરત જિલ્લા પંચાયતની માલિકીની કોસંબા ખાતેની ધર્મશાળામાં કોસંબા ગ્રામ પંચાયતની શાકભાજી માર્કેટ આવેલી છે. આ જગ્યા તદ્દન સાંકડી હોવાથી શાકભાજી લેનારા અને વેચનારાઓ પૈકી તેમજ વેપારીઓ ભેગા થતાં રોજ સવાર-સાંજ ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે.

આ શાકભાજી માર્કેટમાં આવવા-જવાના પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ ઉપર પણ ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે. બીજી તરફ તરસાડી નગરપાલિકાએ નવી શાક માર્કેટ બનાવી છે. જે શાકમાર્કેટ હાલમાં બંધ હાલતમાં છે. ત્યાં કોસંબા શાકમાર્કેટ ખસેડવામાં આવે તો ટ્રાફિકનું ભારણ ઓછું થાય તેમ છે. તરસાડીના જાગૃત નાગરિક બળવંત પંચાલે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે, કોસંબા ગામે આવેલી શાકભાજી માર્કેટની બાજુમાં જ પોલીસ સ્ટેશન અને રિક્ષા સ્ટેન્ડ પણ આવેલું છે. અને જાહેર રસ્તા પર પાથરણાવાળાના ઝમેલાના કારણે રોજ સવારથી મોડી સાંજ સુધી ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. કોસંબા શાકમાર્કેટની જગ્યા નાની હોવાના કારણે તેમજ આ શાકભાજી માર્કેટમાં શાકભાજી અને ફળો ઘણીવાર સડી જતા હોય છે. તે અંગેની દેખરેખની કાર્યવાહી કોસંબા ગ્રામ પંચાયત કરતી નહીં હોવાના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય જનતાને સતાવે છે. જેથી આ તમામ પરિબળોને જોતાં કોસંબા શાકભાજી માર્કેટને યુદ્ધના ધોરણે તરસાડી નગરપાલિકા પાલિકામાં નવી બનેલી શાકમાર્કેટમાં ખસેડી દેવી જોઇએ.

Most Popular

To Top