સુરત: (Surat) સુરત શહેરનો કદાચ જ એવો કોઈ રોડ હશે જ્યાં ખાડા (Pits) નહીં હોય. ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનની હાલત તો એટલી કફોડી છે કે વૃદ્ધ લોકો તો અહીંથી ટૂવ્હીલર વાહન લઈ પસાર થવામાં ગભરાય છે. ખાડા એટલા મોટા અને ઉંડા છે કે અવારનવાર લોકો નાના-મોટા અકસ્માતના શિકાર બની રહ્યા છે. એટલું જ નહીં આ ખાડાઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. જો કે આ બધી જ પરિસ્થિતિથી સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) વાકેફ હોવા છતા પાલિકાના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. નફ્ફટ તંત્ર પાસે ફક્ત એકજ બહાનું છે કે વરસાદ અટકે એટલે રસ્તાના રિપેરિંગનું કામ શરૂ કરાશે. જોકે તે દરમ્યાન સુરતવાસીઓનું શું થશે તેનાથી પાલિકાને કોઈ લેવા દેવા નથી. નિયમિત વેરો વસુલવા માટે પ્રજા જનો પાસે પહોંચી જતી પાલિકા 6500 કરોડ રુપિયાનું બજેટ (Budgate) ધરાવે છે, છતાં એટલી કંગાળ છે કે આખું વર્ષ વીતી જાય છે ત્યાં સુધી રોડ રસ્તાની મરામત કરી શકતી નથી. વરસાદના ચાર મહિનામાં તો સુરતના રસ્તાઓની હાલત એવી ખરાબ થઈ છે કે સુરતીઓ તોબા પોકારી ગયા છે.
શહેરની ગલીઓમાં રોડ રસ્તાનું રિપેરિંગ કરવામાં કદાચ પાલિકાને મુશ્કેલી આવતી હોય તે સમજી શકાય પરંતુ મુખ્યમાર્ગોની હાલત પણ એટલી જ ખરાબ છે. રાજમાર્ગ એટલે કે સ્ટેશનથી ચોક સુધીનો રસ્તો, રિંગરોડ આખેઆખો, વરાછા મેઈન રોડ પર ઉંડા ઉંડા ખાડાઓ અકસ્મતાને નોતરી રહ્યાં છે. રસ્તાઓ તો ઠીક બ્રિજ પર પણ ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પણ વિકાસના નામે મોટી-મોટી વાતો કરનાર પાલિકા તંત્રને જનતાની સમસ્યાથી કોઈ જ લેવાદેવા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.
સ્માર્ટસિટી સુરતના રસ્તાઓ કેમ સ્માર્ટ નથી?
દર વર્ષે સ્માર્ટસિટીની રેસમાં આગળ રહેતા સુરત શહેરમાં રસ્તાઓની બનાવટ કેમ સ્માર્ટ નથી આ સવાલ હવે જનતા ઉઠાવી રહી છે. શહેરમાં ડુમસ રોડ, વીઆઈપી રોડ જેવા વીઆઈપી રસ્તાઓ પર જ સીસી રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ જ્યાં સૌથી વધુ અવર જવર રહે છે તેવા સેન્ટ્રલ ઝોન, વરાછા, કતારગામ, ઉધના વગેરે ઝોનમાં પાલિકા દ્વારા મોટાભાગે ડામરના રોડ બનાવાયા છે. ડામરના રોડ દર વર્ષે વરસાદમાં ધોવાઈ જાય છે. અને લોકોને ચાર મહિના સુધી ઉબડખાબડ રસ્તાઓની તકલીફ વેઠવી પડે છે. હલ્કી ગુણવત્તાના રોડ રસ્તાઓ સામાન્ય વરસાદ પણ ઝીલવાની તાકાત રાખતા નથી.
સુરત શહેરના 3800 કિમી રોડમાંથી ફક્ત 60 કિમી રોડ જ ખરાબ છે- બી.આર.ભટ્ટ, કાર્યપાલક ઇજનેર, સુરત મનપા
સુરતના કુલ 3800 કિલોમીટર રસ્તામાંથી ફક્ત 60 કિલોમીટરના રસ્તાઓ જ ખરાબ છે. સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનમાં વધુ ખાડાઓ છે. જોકે આ વિસ્તારોમાં 10 જ દિવસમાં રિપેરિંગ કામ થઈ જશે. હાલ ખાડા વાળા રસ્તાઓનું ફક્ત રિપેરિંગ કરવામાં આવશે. નવા રોડ બનાવવામાં હજી સમય લાગશે. વરસાદ અટકતા જ રસ્તાઓનું રિપેરિંગ કાર્ય શરૂ કરી દઈશું.