SURAT

સુરત શહેર અને જિલ્લામાં 2.85 લાખ ક્લેઇમ સામે પીએફ વિભાગે 846 કરોડ ચુકવ્યા

સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાં અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. ઘણા પરિવારો એવા છે જેમની સમગ્ર બચતની મૂડી હોસ્પિટલની સારવાર દરમિયાન ખર્ચ થઇ ગઇ છે. જ્યારે કેટલાક એવા કમનસીબ લોકો હતા કે જેમના કોરોના સંક્રમણથી મોત થયા હતા,આ પ્રકારના પરિવારના લોકો જો સુરત પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં (PF Office) નોંધાયા હોય તેવા લોકોને મદદરૂપ થવા સુરતના પીએફ કમિશનર અજિત કુમારે માનવતાભર્યુ અભિગમ દાખવી આવા કપરાકાળમાં અનેક પરિવારોને ત્વરિત પીએફના દાવાઓ નિપટાવી તેમને વળતર (Compensation) ચૂકવી દીધું હતું. પીએફ કમિશનરે અજિત કુમારે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનું હોવા છતા પીએમજીકેવાય અને એબીઆરવાય, યોજના હેઠળ જુદા-જુદા ઉદ્યોગો સાથે સંકળાયેલા કામદારોને સમયસર તેમના હકના નાણા ચૂકતે કરી દેવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21માં 2.85 લાખ ક્લેઇમ સામે 846 કરોડ઼ ચુકવવામાં આવ્યા છે. જેમાં 49 હજાર કેસો કોવિડ-10 એટલે કે કોરોનાના હતા. જેમાં અસરગ્રસ્તોને 88 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

કોરોનાની સારવાર દરમિયાન લોકોએ ઘણો એવો ખર્ચો થતો હોય પોતાની જમા મૂડી ઉપાડવાની જરૂર ઉભી થઇ હતી. જેમાં ઘણા લોકોએ પોતાના પીએફમાંથી પણ કોવિડ ક્લેઇમ અંતર્ગત. રૂપિયા ઉપડ્યા હતા. જેમાં પ્રથમ લહેરમાં માર્ચ 2020 થી 2021 સુધીમાં 2.85 લાખ ક્લેઇમ હતા. જેમાં 846 કરોડ ચૂકવાયા છે. તેમાંથી 49000 કોવિડ ક્લેઇમ પૈકી 88 કરોડ આપવામાં આવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં માત્ર 3 મહીનામાં 85500 દાવાઓ પેટે 195 કરોડ ચૂકવાયા
સુરતમાં કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક હતી તે બાબતની વિગત સુરત પીએફ કચેરીમાં આવેલા ક્લેઇમના ક્લિયરન્સના આંકડાઓ પરથી જાણવા મળે છે. કોરોનાની બીજી લહેરમાં માત્ર 3 મહીનામાં 85500 દાવાઓ પેટે 195 કરોડ ચૂકવાયા છે. માર્ચ-2021 થી મે 2021ના ત્રણ મહીનામાં 11500 કોવિડ-19ના ક્લેઇમ ક્લીયર કરી 19 કરોડ ચૂકવાયા હતા. તે દર્શાવે છે કે સુરતમાં આ ત્રણ મહીનામાં 11500 કેસ એવા હતા જે વ્યક્તિઓ પીએફ કમિશનર કચેરીએ કર્મચારી તરીકે નોંધાયેલા હતા. 19 કરોડમાં એવા પણ ઘણા ક્લેઇમ છે જેમાં વ્યક્તિના નિધન થયા પછી 2લાખથી 7 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવ્યુ હતું.

39000 પેન્શનર્સને ઘરબેઠા પોસ્ટલ વિભાગની મદદથી 6.83 કરોડની રકમ મોકલવામાં આવી
સુરત પીએફ વિભાગે કોરોનાકાળ દરમિયાન માનવતાવાદી અભિગમ દાખવી પેન્શનરોને હયાતીનું પ્રમાણપત્ર લઇને પીએફ ઓફિસમાં ક્લેઇમ કરવાની જુની પ્રથા બંધ કરી માત્ર ઓનલાઇન આધારકાર્ડને માન્ય રાખી પોસ્ટલ વિભાગની મદદથી ઘરબેઠા પેન્શનના નાણા મોકલવામાં આવ્યા હતા. મે-2021 દરમિયાન 6.83 કરોડની માસિક પેન્શનની રકમ 1જૂને બેંકે એકાઉન્ટમાં જમા આપી દેવામાં આવી હતી. તેને લીધે સિનિયર સિટિઝન એવા અનેક પેન્શનરોને કચેરી સુધી આવવુ પડ્યુ નહતુ.

પીએમજીકેવાય યોજના હેઠળ સુરતના 22 હજાર પીએફ સભ્યોને 18.94 કરોડ ચૂકવાયા
કોરોનાની પ્રથમ લહેરમાં નાણામંત્રી નિર્મલા સીતારામને 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતુ. જેમાં માર્ચ-2020થી મે 2020 સુધીના સમયગાળા માટે સરકારે 12 ટકા લેખે કર્મચારીઓનું પીએફ ચુકવ્યુ હતુ. 21 હજારથી ઓછો પગાર હોય તેવી સુરતની 2000 કંપનીઓએ 22 હજાર કર્મચારીઓનું લિસ્ટ પીએફ વિભાગને મોકલતા આવા કર્મચારીઓના ખાતામાં 18.94 કરોડની રકમ ચુકવવામાં આવ્યા હતા. એવીજ રીતે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નવેમ્બર 2020થી એપ્રિલ 2021 સુધી સુરત પીએફ કચેરી દ્વારા પ્રત્યેક મહીને 25હજાર કર્મચારીઓને 14.49 કરોડની સહાય આપવામાં આવી છે તથા ઇડીએલઆઇ યોજના હેઠળ કોરોના દરમિયાન જે કર્મચારીઓના મૃત્યુ થયા સરકારે છ લાખ સાત લાખનું ચુકવણુ કર્યુ હતુ.

Most Popular

To Top