સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા ખાનગી કંપનીઓના પેટ્રોલ પમ્પ (Petrol Pump) માલિકોએ અચાનક 24 કલાક પૈકી બે પાળી અને 16 કલાક પૈકી 8 કલાકની એક પાળીમાં પમ્પ બંધ રાખતા વાહન માલિકોને (Vehicle Owners) સરકારી પેટ્રોલ પમ્પ પર નિર્ભર રહેવું પડયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી પેટ્રોલિયમ કંપનીઓને જુના ભાવે પેટ્રોલ-ડીઝલ આપવામાં નુકશાન જતા ખાનગી પેટ્રોલ પમ્પોને 50 ટકા વર્કિંગ અવર્સ ઘટાડવા અઘોષિત આદેશ આપવામાં આવ્યો છે. ખાનગી પેટ્રોલ પમ્પ માલિકોને 50 ટકા ક્ષમતા જેટલું જ પેટ્રોલ-ડીઝલ વેચવા મોંઘમમાં જણાવી દેવાયું છે. સુરત શહેરના ખાનગી પેટ્રોલ પંપ છેલ્લાં 2 દિવસથી 24 ને બદલે માત્ર 12 કલાક પમ્પ ચલાવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ સતત વધી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીના વર્ષમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો નથી. તેને લીધે પેટ્રોલિયમ કંપનીઓને નફો મળી રહ્યો નથી.
સુરતમાં સરકારી પેટ્રોલિયમ કંપની અને ખાનગી પેટ્રોલિયમ કંપનીના કુલ 70 પંપ કાર્યરત છે. તે પૈકી 35 પંપ ખાનગી કોર્પોરેટ કંપનીઓના છે. કેટલાક ખાનગી પમ્પોએ રિપેરીંગનું કામ ચાલી રહ્યું છે એવા પાટિયાઓ લગાવી દીધા છે. એટલે લોકો વધુ પૂછપરછ ન કરે. સુરત-તાપી પેટ્રોલિયમ ડીલર્સએસોસિએશન પ્રમુખ બચુભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે,ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં ખૂબ મોટો વધારો થયો છે. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેની સરખામણીમાં વધારો થયો નથી. એને લીધે ખાનગી કોર્પોરેટ કંપનીઓને પેટ્રોલ, ડિઝલનું વેચાણ પરવડતું નથી. જેથી ખાનગી કંપની દ્વારા 24ને બદલે 12 કલાક જ પંપ ચલાવવામાં આવી રહ્યાં છે.