સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે મનપા દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરી સંક્રમણની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે મનપા (Municipal Corporation) દ્વારા અઠવા વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ (Petrol pump) પર ટેસ્ટિંગ કરતા 4 કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેથી મનપાએ પેટ્રોલપંપ તાકીદે બંધ કરાવ્યું હતું. તેમજ નવો કોઇ આદેશ ના થાય ત્યા સુધી બંધ રાખવા તાકીદ કરાઇ હતી. પરંતુ ગણતરીની કલાકોમાં જ નવો આદેશ થઇ ગયો હોય તેમ રવિવારે બીજા જ દિવસે પેટ્રોલપંપ ચાલુ કરી દેવાતા તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે.
અઠવા પેટ્રોલ પંપ પર 4 કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ ફરીથી પેટ્રોલ પંપ શરૂ કરી દેવાતા વિવાદ ઉભો થયો છે. લોકોના ઘરમાં પોઝિટિવ આવે તો મનપા દ્વારા ફરજિયાત હોમ કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. પરંતુ પેટ્રોલ પંપમાં આ નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. મનપા દ્વારા પેટ્રોલપંપ પર પ્રવેશ નિષેધ કરી દેવાયા છતાં પણ બીજા દિવસે પેટ્રોલપંપ ધમધમતા આવનારા દિવસોમાં સંક્રમણ વધે તો નવાઈ નહી.!
સુરત: શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા, તંત્ર સાવધ થયું છે. અને ફરીવાર મનપા દ્વારા જુની સ્ટ્રેટેજી પર કામ કરવાનું શરૂ કર્યુ છે. જુન-જુલાઈ માસમાં શહેરમાં કોરોનાનો પીક સમય હતો. તે સમયે મનપા દ્વારા ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું હતું. તે જ રીત પર હવે મનપા કામ પર લાગી છે અને શહેરમાં સુપર સ્પ્રેડરો બને તેવા ક્ષેત્રમાં વધુ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રવિવારે મનપા દ્વારા શહેરના તમામ ઝોનમાં ચા ની લારીવાળા તેમજ કરીયાણાની દુકાનવાળાઓના ટેસ્ટીંગ કર્યા હતા. મનપા દ્વારા કુલ 898 લારી તેમજ દુકાનદારોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 22 પોઝિટિવ મળી આવ્યા હતા.
કયા ઝોનમાં કેટલા ટેસ્ટ અને પોઝિટિવ
- ઝોન ટેસ્ટ પોઝિટિવ
- સેન્ટ્રલ 41 2
- વરાછા-એ 87 0
- વરાછા-બી 135 0
- રાંદેર 15 0
- કતારગામ 122 0
- ઉધના 99 8
- અઠવા 285 8
- લિંબાયત 114 4
- કુલ 898 22