SURAT

સુરતમાં શેરી-મોહલ્લાઓમાં ફરી અત્તર-પરફ્યુમ વેચતા ફેરિયાને ITની 28.59 કરોડની નોટિસ

સુરત: (Surat) ચોકબજારમાં રહેતા અને શેરી મહોલ્લામાં ફેરી ફરી અત્તર-પરફ્યુમ (Perfume) વેચતા ફેરિયાને 28.59 કરોડના ટ્રાન્ઝેક્શનની આઇટીની નોટિસ (IT Notice) મળતાં આખો પરિવાર ચિંતામાં મુકાયો છે. પરિવારમાં કોઈ વ્યક્તિએ પાસપોર્ટ કઢાવ્યો નથી, વિદેશ પ્રવાસ કર્યો નથી કે કોઈ કંપની બનાવી શકાય એવું નોલેજ પણ નહીં ધરાવતા ફેરિયાને આઇટીએ વર્ષ-2018-19 દરમિયાન રૂ.28.59 કરોડના એક્સપોર્ટનો ટેક્સ (Tax) ભરવા નોટિસ મોકલતાં આ ફેરિયો વિભાગ સમક્ષ હાજર થયો હતો.

  • શેરી-મહોલ્લામાં ફેરી ફરી અત્તર-પરફ્યુમ વેચતા ફેરિયાને 28.59 કરોડના ટ્રાન્ઝેક્શનની આઇટીની નોટિસ
  • ચોકબજારમાં રહેતા ફેરિયાને આઈટીએ વર્ષ-2018-19 દરમિયાન રૂ.28.59 કરોડના એક્સપોર્ટનો ટેક્સ ભરવા નોટિસ આપી

આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેરિયાએ એવું રટણ કર્યું હતું કે, આટલો મોટો બિઝનેસ હોય તો રસ્તા પર બેસી ફેરી ફરી 100-200 રૂપિયાનું અત્તર, પરફ્યુમ શા માટે વેચું? રસ્તા પર કે મસ્જિદની બહાર અત્તર વેચી માંડ ગુજરાન ચલાવતા ચોકબજારના રહેવાસીને આકવવેરા વિભાગે રૂ.28 કરોડના ટ્રાન્ઝેક્શનની નોટિસ ફટકારતાં તેણે વકીલનો સંપર્ક કરી પોતે આ ટ્રાન્ઝેક્શન જ નહીં કર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસને જાણ કરી તો પોલીસે પહેલા આવકવેરા વિભાગની પ્રોસેસ પૂર્ણ કરવા જણાવ્યું હતું. આઇટીની નોટિસનો શું જવાબ આપવો એ મોટો પ્રશ્ન છે.

સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠે જણાવ્યું હતું કે, વ્યક્તિ ફેરી ફરે છે કે બીજો વ્યવસાય, આવકવેરા વિભાગને એની સાથે નિસ્બત નથી. આઇટી એ જોશે કે રિટર્ન ભરાયું છે કે કેમ. જો નહીં ભરાયું હોય તો રિટર્ન ભરવું પડશે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો મામલો એસેસમેન્ટમાં જશે અને ત્યાં જે ડિમાન્ડ નોટિસ આવે એ રકમ ભરવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ ભેજાગેપ કૌભાંડી વ્યક્તિએ ફેરિયાનું પાનકાર્ડ, આધાર કાર્ડ, કંપની બનાવી, બેન્ક એકાઉન્ટ ખોલી 28.59 કરોડનો માલ એક્સપોર્ટ કર્યો હશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની આરએમએસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી મારફત જાણકારી મળી હતી કે, ચોકબજાર ખાતે રહેતા વ્યક્તિએ વર્ષ 2018-19 દરમિયાન રૂ.28.59 કરોડનું એક્સપોર્ટ કર્યુ હતું. પરંતુ આ પૈકી એકપણ ટ્રાન્ઝેક્શનની વિગતો આવકવેરા વિભાગને આપી ન હતી. આથી ફેરિયાના રજિસ્ટર્ડ સરનામે આઇટી એક્ટ 148(એ) હેઠળની નોટિસ આપવામાં આવી છે. આ કાયદા હેઠળ સીધો કેસ સક્રિય બનતો હોય છે. આવકવેરા વિભાગના અધિકારી એ જાણવા માંગે છે કે ફેરિયાએ એના મહત્ત્વનાં ડોક્યુમેન્ટ કોને આપ્યાં હતાં એ આધારે કૌભાંડીને પકડી શકાય.

Most Popular

To Top