SURAT

સુરતમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત 4ના મોત

સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં મહિલા સહિત 4ના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલ ધોનીનો ખાંચામાં 24 વર્ષીય સુનીલ ભીખાભાઈ રાઠોડ રહેતો હતો. સુનીલ મજૂરી કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવતો હતો. રવિવારે બપોરે સુનીલ ઘરમાં બેઠો હતો. તે સમયે તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી પાડોશીઓએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને હાર્ટ એટેકની સંભાવના સાથે મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં, મૂળ ઝારખંડના વતની અને હાલ લિંબાયત આંબેડકર નગરમાં 36 વર્ષીય શિશિલ ગોપાલ રામ મજૂરી કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે બપોરે શિશિલ લીંબાયત ડ્રેનેજ ઓફિસ પાસે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્રના વતની આશિષ હરિકાંત મહેન્દ્રકર (40 વર્ષ) હાલ પાલનપુર જકાતનાકા પાસે આવેલ સમર્થ રેસીડેન્સીમાં પત્ની તેમજ 1 વર્ષની બાળકી સાથે રહેતો હતો. આશિષ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રે આશિષ ઘરમાં જમીને વોકિંગ કરતો હતો. તે સમયે અચાનક નીચે ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ચોથા બનાવમાં, લિંબાયતમાં આવેલ મહાદેવ નગરમાં કિશોર જરીવાલા પત્ની તેમજ બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. કિશોર લુમ્સ ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સાંજે કિશોરની પત્ની કલ્પના ઘરમાં કામ કરી રહી હતી. તે સમયે તે અચાનક ઢળી પડી હતી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Most Popular

To Top