સુરત: (Surat) ઘોડદોડ રોડ પર પાંજરાપોળ પાસે બેંક ઓફ ઇન્ડિયાના (Bank Of India) ક્વાટર્સમાં રહેતા અધિકારીના 6 વર્ષના દીકરાના નાકમાં રમતા-રમતા મોતી ફસાઈ ગયું હતું. પરિવારજનો બાળકને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બાળકને એક વોર્ડથી બીજા વોર્ડમાં મોકલવામાં આવ્યો હતો. પરિવારજનો બે કલાક સુધી હેરાન થયા હતા. આખરે પીઆઈસીયુમાં બાળકના નાકમાંથી મોતી (Pearl) કાઢવામાં આવ્યું હતું.
- 6 વર્ષના બાળકના નાકમાં મોતી ફસાઈ જતાં પરિવારને સિવિલ તંત્રએ બે કલાક રઝળાવ્યા
- પરિવારને એક વોર્ડથી બીજા વોર્ડમાં ખો અપાતો જ રહ્યો, બે કલાક બાદ પીઆઈસીયુમાં લઈ બાળકના નાકમાંથી મોતી કાઢવામાં આવ્યું
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ઘોડદોડ રોડ પર પાંજરાપોળ પાસે બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસર તરીકે નોકરી કરતા અને ત્યાંજ ક્વાટર્સમાં રહેતા ટુનટુન ચૌધરીનો 6 વર્ષનો દીકરો શ્રેયાંશ ગતરોજ રવિવારે રાત્રે ઘરમાં રમી રહ્યો હતો. ત્યારે રમતા-રમતા તેના નાકમાં મોતી ફસાઈ ગયું હતું. ટુનટુન ચૌધરી સહિતના પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવમાં કોઈ મેડિકો લીગલ કેસ ન હોવા છતાં તબીબોએ એમએલસી કરાવ્યું હતું.
ત્યારબાદ બાળકને પિડીયાટ્રીક વિભાગમાં લઈ જવાયો હતો. પિડિયાટ્રીક વિભાગમાંથી તેને ઇએનટી વિભાગમાં મોકલ્યો હતો. ત્યાં કોઈ ડોક્ટર જોવા જ આવ્યા નહીં, ત્યારબાદ તેમને પીઆઈસીયુ વિભાગમાં મોકલ્યો હતો. આમથી તેમ અલગ-અલગ વિભાગમાં મોકલવામાં બે કલાકથી વધુ સમય નીકળી ગયો હતો. પીઆઈસીયુમાં એક તબીબે ચીપીયાથી મોતી બહાર કાઢ્યું હતું આખરે બાળકને સારૂ લાગતા રજા આપવામાં આવી હતી. પરંતુ પરિવાર ભારે હેરાન થયો હતો.