સુરત: (Surat) રિંગરોડમાં આવેલી મનપાની (Corporation) જગ્યામાં ગેરકાયદેસર કબજો લઇને ‘પે એન્ડ પાર્ક’ની (Pay And Park) ડુપ્લિકેટ રસીદો આપીને લોકોને લૂંટવાનું કૌભાંડ પકડાયું હતું. લિંબાયત ઝોનના આસિ. પ્લાનરે ત્રણની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. લિંબાયત ઝોનના આસિ. પ્લાનરે તપાસ કરીને ડુપ્લિકેટ રસીદો બનાવનાર ત્રણની સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, રિંગરોડ ઉપર સુરત ટેક્સટાઇલ માર્કેટ અને એમ.જી. ટેક્સટાઇલ માર્કેટની વચ્ચે સુરત મહાનગરપાલિકાની રિઝર્વેશનની જગ્યા આવેલી છે. આ જગ્યા ઉપર ડિંડોલીના અંબિકા ટાઉનશીપમાં રહેતા ઉત્કર્ષ અજય પાંડે, ગોડાદરાના ગોવિંદ નગરમાં રહેતા દિપક નારાયણ મિશ્રા અને કેસરભવાની સોસાયટીમાં રહેતા આર.કે. સિંહએ કબજો જમાવ્યો હતો. ત્રણેય ત્યાં પાર્કિંગ કરવા માટે આવતા લોકોને સુરત મનપાની ‘પે એન્ડ પાર્ક’ની રસીદો આપીને લૂંટતા હતા. આ ત્રણેય જે રસીદો બનાવી હતી તે ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવતા ‘પે એન્ડ પાર્કિંગ’ની ચલણ બુક બનાવટી હતી. આ અંગે ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર કેતન પટેલએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાંજે પાંચથી 10 વાગ્યા સુધી જ પાર્કિંગ ચાર્જ વસૂલતા હતા
પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા ત્રણેય સાંજે પાંચ વાગ્યે પાર્કિંગ ચાર્જ વસૂલવા માટે આવતા હતા. છેલ્લા ઘણા સમયથી આ ત્રણેય ડુપ્લિકેટ રસીદોથી ટુ-વ્હીલર, ફોરવ્હીલરના રૂપિયા ઉઘરાવતા હતા. અંદાજે એક લાખ રૂપિયા જેટલી રકમ પણ વસૂલી લીધી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું.