સુરત: સુરત (Surat) પાંડેસરા (Pandesara) વડોદગામના એક બંધ મકાનના નકુચા અને તિજોરી કાપી ચોરો 25 તોલા સોનુ, દોઢ કિલો ચાંદી અને 50 હજારની રોકડ સહિત લાખોની ચોરી (Robbery) કરી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ચોરીનો ભોગ બનનારે જણાવ્યું હતું કે ઘટના પહેલી ડિસેમ્બરની મધરાત્રે બની હોય એમ કહી શકાય છે. આખું પરિવાર બીમાર પત્ની સાથે ખાનગી હોસ્પિટલમાં હતું. એટલું જ નહીં પણ લાખોની ચોરી કરનાર કોઈ જાણભેડું હોય એમ લાગે છે. તેઓ ઇન્ડો સ્ટાર હોમ ફાયનાન્સ પ્રા.લી. નામની કંપનીમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરે છે. હાલ પોલીસે (Police) ફરિયાદ (FIR) નોંધી તપાસ હાથ ધરી છે.
અજયભાઇ રાજનાથ રાજપુતએ જણાવ્યું હતું કે તેઓ આકાશ દર્શન રો હાઉસ પાંડેસરામાં રહે છે અને મૂળ વતન ગામ-ભોજપુર, ઉતર પ્રદેશના વતની છે. 28મી નવેમ્બરના લગ્ન પ્રસંગ બાદ પત્ની બીમાર પડી જતા 1 ડિસેમબરના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. એટલું જ નહીં પણ આખું પરિવાર પુત્ર કવિરાજ ઉ.વ. 4 વર્ષ, હોસ્પિટલમાં રાત વિતાવવા મજબુર હતા. સવાર પડતા જ તેઓ માસુમ પુત્રને લઈ ઘરે આવતા મુખ્ય દરવાજનો નકુચો કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ ઘરમાં પણ તિજોરી કપાયેલી હાલતમાં ખુલ્લી મળી આવી હતી. દાગીના અને રોકડ સહિત તમામ કિંમતી સામાન ગાયબ હતો.
વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આ મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી રહે છે અને 5 મહિનાથી ઇન્ડો સ્ટાર હોમ ફાયનાન્સ પ્રા.લી. નામની કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા આવ્યા છે. બીમાર પત્ની અને માસુમ પુત્રની જવાબદારીને ભાગદોડ વધી ગઈ છે. પત્ની સપનાની સારવારને લઈ ઘરને તાળુ મારી પરિવાર હોસ્પિટલમાં રહેવા મજબુર હતો.
બીજા દિવસે દિકરાને લઈ બપોરના આશરે બારેક વાગ્યે તેઓ ઘરે આવ્યા હતા. ઘરમાં પ્રવેશ કરતા સર સામાન વેર વિખેર હાલતમાં મળી આવ્યો હતો. બેડ રૂમમાં લોખંડની તિજોરીનો દરવાજાનું લોક પણ તુટેલી હાલતમાં હતું. 25 તોલા સોનુ, દોઢ કિલો ચાંદી, 50 હજાર રોકડ, રોકડ રૂપિયાના ગિફ્ટ કવર, બાળકોના ચાંદીના દાગીના, બે મોબાઇલ ફોન, એક આઈ પેડ, TV સહિતની લાખોની કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. પાંડેસરા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.