સુરત: (Surat) પાંડેસરા (Pandesara) ખાતે વાલ્મિકી આવાસમાં રહેતા યુવકનું ગત ડિસેમ્બર મહિનામાં સુરજ કાલીયો તેના ત્રણ મિત્રો સાથે મળીને અપહરણ (Kidnap) કરી લઈ ગયા હતા. પાંડેસરા પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ (Arrest) કર્યા બાદ આજે એસઓજીએ (SOG) વધુ એક આરોપીની ધરપકડ કરી હતી.
પાંડેસરા ખાતે સિદ્ધાર્ત નગર પાસે વાલ્મિકી આવાસમાં રહેતા 34 વર્ષીય ભદાંતીદેવી ચૌધરીએ ગત 14 ડિસેમ્બરે તેના પુત્ર વિકાસના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિકાસ તેના મિત્ર લંબુ ઉર્ફે સુનિલ સાથે ફરતો હોય છે. સુનિલનો થોડા સમય પહેલા સુરજ કાલીયા સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને વિકાસને સબક શિખવાડવા માટે બપોરે વિકાસના ઘરમાં ઘુસી આવ્યા હતા. સુરજે તેના ત્રણ મિત્રો સાથે મળીને વિકાસને માર માર્યો હતો. વિકાસના જમણા હાથની આંગળી કાપી નાખતા તેની માતા વચ્ચે બચાવવા પડતા માતાને પણ માર મારી માતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં બાઈક ઉપર વિકાસને બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. વિકાસની માતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન એસઓજીની ટીમને રાંદેર બાપુનગર બોરડી ચિસ્તીયા ટી સેન્ટર પાસે આરોપી રાજ ઉભો હોવાની બાતમી મળી હતી. એસઓજીએ બાતમીના આધારે રેડ કરી રાજ ઉર્ફે રાજ માલીયા વિકાસ પાંડા (ઉ.વ.31, રહે. જન્નતીબાગ સાગર માર્કેટની પાછળ રેલવે પટરી પાસે આવેલા ઝુપડામાં સલાબતપુરા તથા મુળ ઓરીસ્સા)ને ઝડપી પાડ્યો હતો.
મકાન ખરીદવા માતાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા પુત્રનો આપઘાત
સુરત: મકાનની ખરીદી કરવા માટે પુત્રએ માતા પાસે જમીન વેચી રૂપિયાની માંગણી કરી હતી. જોકે માતાએ આ અંગે ના પાડતા પુત્રએ હતાશ થઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
ઘટના અંગે મળતી માહિતી મુજબ પાલી ગામમાં ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય પ્રકાશસિંહ કુંવરબહાદુરસિંહ સચિનની એક કંપનીમાં મજુરી કામ કરતો હતો. ગઈકાલે બપોરે પોતાના ઘરમાં પંખા સાથે શાલ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે બનાવ બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રકાશને મકાનની ખરીદી કરવી હતી. જેમાં તેને બે થી ત્રણ લાખ રૂપિયાની જરૂર હતી. રૂપિયાની આ ઘટ હોવાથી તેણે માતાને વતનમાં રહેલી જમીન વેચી દેવા કહ્યું હતું. પરંતુ માતાએ મોટોભાઈનો પણ જમીનમાં હક હોવાથી પૈસા આપવાની ના પાડી હતી. આ વાતને લઈને પ્રકાશનો માતા સાથે ઝઘડો થયો હતો. જેથી માતા અમદાવાદ તેમના પિયર ગયા બાદ પ્રકાશે અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.