સુરત: ઘણા લોકો મોજશોખ પુરા કરવા માટે આડેધડ લોન લઈ લેતા હોય છે પરંતુ પાછળથી હપ્તા ભરી શકતા હોતા નથી, ત્યારે મુશ્કેલીમાં મુકાય છે, બીજી તરફ કેટલાંક ઠગ એવા પણ હોય છે કે જે બેન્કમાં લોન લીધા બાદ રૂપિયા અંગત કારણોસર વાપરી નાંખે અને હપ્તા ભરતા નથી. આવા ફ્રોડ સામે કાર્યવાહી કરવામાં બેન્કને વર્ષો નીકળી જતા હોય છે અને એટલે જ ચીટરોની હિંમત વધતી હોય છે, પરંતુ સુરતની પંચશીલ મર્કન્ટાઈલ કો.ઓ. બેન્કે કાર લોન ફ્રોડ કરનાર અમરોલીના એક યુવકને બરોબરનો પાઠ ભણાવ્યો છે. કાર લોનનું ફ્રોડ કરનાર આ યુવકે મિલકતો પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
- મુકેશ પટેલે હ્યૂન્ડાઈની કાર ખરીદવા લોન લીધા બાદ રૂપિયા અંગત કામે વાપરી ઠગાઈ કરી
- બેન્ક દ્વારા મકેશ પટેલ વિરદ્ધ કોર્ટમાં સમરી દાવો દાખલ કરાયો
- અમરોલીની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા મુકેશ પટેલની સ્થાવર મિલ્કત બેન્કે જપ્ત કરી
વર્ષ-2017માં સુરતની દિલ્હીગેટ ખાતેના બેલ્જિયમ ટાવરમાં હેડ ઓફિસ ધરાવતી ધી પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિ.માં કાર લોનના નામે હુન્ડાઈ કું.ની સેન્ટાફીઆ કાર ખરીદવાના બહાને છેતરપિંડી અને કાવતરું કરી યોજનાબદ્ધ રીતે ટોળકી બનાવી ઠગાઈ કરનાર સુરતના અમરોલી ખાતેની હરસિદ્ધિ સોસાયટીના બંગલા નં.33ના રહિશ મુકેશ રમણલાલ પટેલ સામે બેંકના ગુજરાત સરકાર અધિકૃત અધિકારીએ તા.1.5.2022ના રોજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની સ્થાવર મિલકત જપ્ત કરી છે.
બનાવની વિગત એવી છે કે, વર્ષ-2017માં અમરોલી હરસિદ્ધિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુકેશ રમણલાલ પટેલે ધી પંચશીલ મર્કન્ટાઈલ બેંક પાસેથી સાન્તા ફીઆ કાર મેળવવા માટે અરજી કરી હતી. અને તેમને મળેલી લોનના પૈસા કાર લેવાને બદલે અંગત કામે વાપરી બેંક સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. બેંક લોનની રકમ ન ભરાવાને કારણે બેંક દ્વારા તેની સામે સુરતમા નામદાર બોર્ડ ઓફ નોમિનીઝ સાહેબની કોર્ટમાં સમરી દાવો 83/2018 દાખલ કર્યો હતો. અને આ કેસનો ચુકાદો બેંકની તરફેણમાં આવતાં બેંક દ્વારા ગુજરાત રાજ્યની સહકારી કાયદાની કલમ-159 હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેના ભાગરૂપે તા.1.5.2022 ને રવિવારે તેમની સ્થાવર તથા જંગમ મિલકત જપ્ત કરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ તમામ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.