SURAT

પલસાણાની ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સમાં રેડ કરતા ખેતી અધિકારીઓની ટીમને મળ્યો યુરિયા ખાતરો જથ્થો

સુરત : સુરત (Surat) જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા પલસાણા (Palsana) તાલુકાના જોળવા (Jolva) ગામે આવેલી ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં (Krishna Dyeing and Printing Mills Pvt) રેડ કરતા સબસીડીયુક્ત ખેતવપરાશનો નીમકોટેડ યુરિયા ખાતરનો (Urea fertilizer) જથ્થો મળી આવ્યો હતો. જેથી પલસાણાના ખેતી અધિકારી દ્વારા કંપનીના ચાર ડાયરેકટરો તથા ખાતરનો જથ્થો પુરો પાડનારાઓ વિરુદ્ધ પલસાણા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરત પલસાણા તાલુકાના ખેતી અધિકારી વિવેક મેતલીયાએ તા.3/2/2023 ના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા જોળવા ગામે મુલકાર કરી હતી. જોળવા ગામે સવારે 10:30 વાગ્યે બ્લોક નંબર 221/222માં આવેલી ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રા.લિ. ખાતે મદદનીશ ખેતી નિયામક(ગુ.નિ) આર.બી.પટેલ, મદદનીશ ખેતી નિયામક(કપાસ), સુરત ડી. જે. હાસોટિયા અને ખેતીવાડી અધિકારી ઓલપાડ વી.આર.કોરાટ સાથેની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ મુલાકાત લીધિ હતી. જે દરમિયાન કલર સ્ટોરની બાજુના ખુલ્લા મકાનની અંદર તપાસ કરતા સંગ્રહ કરેલા યુરિયાના જથ્થો મળી અવ્યો હતો. જે જથ્થાને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ કોટેડ યુરિયા હોવાનું જણાતા તેમના નમુનાઓ લઈને પૃથ્થકરણ અર્થે બારડોલીની ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.

મિલ્સમાથી લેવાયેલા તમામ નમુનાઓ તા.10/2/2023 ના રોજ નીમ કોટેડ યુરિયા હોવાનું ફલિત થયું હતું. જેથી આ ક્રિષ્ના ડાઈગ તથા ખાતરનો જથ્થો સપ્લાય કરનાર પેઢી ઓશન ટ્રેડર્સ પાસે તા. 16/2/2023ના રોજ કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેનો કોઈ ખુલાસો ન મળતા તેમને તા.28/2/2023ના પત્રથી કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. જે પછી તા.7/3/2023ના રોજ પત્રથી ખુલાસો મોકલવામાં આવ્યો હતો. જે મુજબ આ જથ્થો તેમણે ઓશન ટ્રેડર્સ, પ્લોટ નંબર 49, ગબ્બરવાડી માતા મંદિર, કડોદરા સુરત પાસેથી ખરીધેલું જાણવા મળ્યું હતું. ઓશન ટ્રેડર્સ તથા ભોલે ટ્રેડર્સને કારણદર્શક નોટીસો મોકલવામાં આવી હતી. જેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

આ ઓશન ટ્રેડર્સ દ્વારા રાસાયણિક ખાતરના રિપોર્ટ બાબતે સંતોષ ન હોવાથી આ સેમ્પલ ગુજરાતના ગાંધીનગરની ખેતી નિયામકની કચેરી ખાતે એનાલીસીસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ કચેરી દ્વારા સેમ્પલોને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ફેરપૃથ્થકરણ માટે મોકલવામાં આવતા તેમાં ઓઇલ કન્ટેન્ટ 0.015 ટકા હોવાનું નોધાયું હતું. જેથી આ ખાતરમાં સબસીડીયુકત ખેતવપરાશનું નીમકોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જેથી પલસાણાના ખેતી અધિકારી વિવેક મેતલિયાએ આ અંગે તા.20/7/2023ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટરો તથા ટ્રેડર્સ સામે ફરિયાદ નોંધવી હતી. જેમાં ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો ગોપાલ ભાગીરથ ભૈયા, વસંતકુમાર ભાગીરથ ભૈયા, દિનેશકુમાર ભાગીરથ ભૈયા તથા પિયુષ ડી. ભૈયા તેમજ ખાતરનો જથ્થો પુરો પાડનાર કડોદરાની ઓશન ટ્રેડર્સ તથા મુંબઈની ભોલે ટ્રેડર્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top