સુરત: (Surat) પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન અને ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતા પી.પી.સવાણી (P P Savani) પરિવાર દ્વારા ચોથી અને પાંચમી ડિસેમ્બરના રોજ ‘ચૂંદડી મહિયરની’ નામે પરિણય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અબ્રામા ખાતે યોજાનારા આ સમૂહલગ્નમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની 300 દીકરી તેમની ધર્મ-વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે. બે દિવસના આ ભવ્ય લગ્ન સમારોહમાં (Wedding ceremony) કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકોની હાજરી સાથે બે દિવસમાં સવાર-સાંજ એમ ચાર તબક્કામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, રમેશભાઈ અને રાજુભાઈએ ‘ચૂંદડી મહિયરની’ લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, અખંડ ભારતની મુહિમ સૌપ્રથમ પોતાનું રજવાડું સોંપનાર પ્રજાવત્સલ રાજ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વારસદાર અને ભાવનગરના યુવરાજ સાહેબ જયવીર રાજસિંહજી, રાજમાતા સહ પરિવાર સમારોહમાં હાજરી આપશે. મોટા વરાછાના પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ગ્રાઉન્ડની સામે ગોપિન રિવર વિલેમાં ગુરુવારે સવારે 8 કલાકે મહેંદી રસમ થશે. જ્યારે 4 અને 5મી ડિસેમ્બરે સવાર અને સાંજે પીપી સવાણી ચૈતન્ય વિધાસંકુલના ગ્રાઉન્ડમાં 300 યુગલ પ્રભુતામાં પગલાં પાડશે. જેમાં સામાજિક, રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવશે. સમૂહલગ્નમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે 31 સમિતિ બનાવવામાં આવી છે. સાથે જ કોરોનામાં સેવા આપનાર 52 સંસ્થાના પ્રમુખ-ઉપપ્રમુખ, ડોક્ટર, વકીલ, સી.એ. અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓના હસ્તે કન્યાદાન થશે. આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ એવી છે કે, જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી. આ સમૂહ લગ્નોત્સવમાં પ્રથમ વખત શીખ પરિવારની દીકરીનાં પણ લગ્ન લેવાશે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 4446 દીકરીના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા પી.પી.સવાણી પરિવારે આજ સુધી લગભગ 3000 જેટલી દીકરીનું કરિયાવર સાથે કન્યાદાન કર્યું છે.
ચારેય ધર્મની દીકરીઓનાં લગ્ન એટલે માનવતા ધર્મના મંચન માટે નાટ્યકૃતિ રજૂ કરાશે
માનવતા જ સર્વોચ્ચ છે તે દર્શાવવા સવાણી પરિવારની ચાર દીકરીઓ અને જમાઈઓ જુદા જુદા ધર્મના પહેરવેશ સાથે માનવતા ધર્મનો મેસેજ આપવા નાટ્યકૃતિ રજૂ કરશે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ચારેય ધર્મની વિધિ મુજબ ચાર યુગલનાં લગ્ન થશે એની નાટ્યાત્મક પ્રસ્તુતિ થશે. જાણીતા લોકગાયિકા યોગીતા પટેલ રચિત સમારોહનું થિમ સોન્ગ ‘ચુંદડી મહિયરની’ નું લોકાર્પણ થશે, સાથે જ એક શોર્ટ ફિલ્મનું પણ લોકાર્પણ થશે.
પિતાપણું એક દિવસ પૂરતું નથી, આજીવન હોય છે: મહેશ સવાણી
મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, ગયા વર્ષે કોવિડના કારણે આયોજન કરી ન શકાયું, પણ આ વખતે પણ તમામ તકેદારી રાખીને ચાર ભાગમાં સમારોહને વર્ગીકૃત કર્યું છે. પિતાપણું ક્ષણ કે દિવસ પૂરતું ન હોય એ બંધન આજીવન હોય છે એમ અમે માનીએ છીએ.