SURAT

પહેલાં 95થી ઓછા ઓક્સિજન પર દાખલ કરાતાં હતાં હવે સિવિલમાં દર્દીનું ઓક્સિજન લેવલ 90-91 થાય એટલે રજા આપી દેવાય છે!

સુરતઃ (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) હવે ઓક્સિજનની (Oxygen) કટોકટી સર્જાતાં જે દર્દીઓને ઓક્સિજન લેવલ 95 થયા બાદ ડિસ્ચાર્જ અપાતો હતો તેમને 90-91 ઉપર જ શિફ્ટ કરવાનું શરૂ કરાયું છે. જેથી નવા ગંભીર દર્દીઓને બેઝિક ટ્રીટમેન્ટ આપીને સાજા કરી શકાય. નવા પ્રયાસ થકી નવી સિવિલમાં ઓક્સિજનની 15 થી 20 ટકા માંગ ઓછી કરી શકાઈ છે. આમ દર્દીઓનો ફલો વધતા ગંભીર દર્દીની વ્યાખ્યા પણ સિવીલમાં બદલાઇ ગઇ છે.

સુરત સહિત સમગ્ર રાજ્ય હવે ઓક્સિજનની કટોકટીનો સામનો કરી રહ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગંભીર દર્દીને બચાવવા માટે એક નવો પ્રયાસ શરૂ કર્યો છે. સામાન્ય રીતે દર્દી સાજો થાય પછી તેને તબક્કાવાર જોઈ રજા આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન લેવલ 95 કે તેથી વધુ હોવું જરૂરી હોય છે. હવે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન લેવલ 90-91 સુધી આવે એટલે તેમને કોવિડ કેર સેન્ટરમાં કે પછી ઘરે મોકલી દેવામાં આવે છે. અને આ દર્દીઓને ઘરે વધારે શ્રમ નહી કરવા તથા કેટલીક સુચનાઓ આપીને સારવાર આપવામાં આવે છે. કેટલીક હળવી કસરત અને યોગ કરવા માટે કહેવામાં આવે છે. સૌથી અગત્યનું દર્દીને પોઝિટીવ એટીટ્યુટ રાખવા માટે કહેવામાં આવે છે. જેથી ઓક્સિજન લેવલ ઉંચુ આવી શકે છે. જે સૌથી વધારે અસર કરે છે. જેના થકી ઓક્સિજનની માંગ 15 થી 20 ટકા ઘટાડવામાં આવી છે.

નવી સિવિલમાં હવે આ રીતે ઓક્સિજન બચાવવાનો પ્રયાસ
ઓક્સિજન 90 ટકાથી નીચે જાય એટલે ચિંતાનો વિષય છે. 80 ટકાથી નીચે હોય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. હવે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા માસ્ક કાઢીને બાદમાં ઓક્સિજન ચેક કરવામાં આવે છે. જો તે 90-91 આવે એવા દર્દીને 10 લિટરથી પણ ઓછા ઓક્સિજનની જરૂર હોય છે. આવા દર્દીને કોવિડ કેર સેન્ટરમાં કે ઘરે રિફર કરી દેવાય છે. આ પ્રકારના દર્દી પોઝિટિવ એટિટયુડ રાખે અને યોગા કરે તથા તબીબની સલાહ મુજબ ચાલે તો પણ તેમના ઓક્સિજન લેવલમાં વધારો થઈ શકે છે. આ રીતે નવી સિવિલમાં ઓક્સિજન બચાવવા પ્રયાસ થઈ રહ્યો છે.

નવી સિવિલ ઓપીડીમાં આવતા 50 ટકા દર્દી ગંભીર આવે છે
નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 400 જેટલા દર્દીઓ ચેકઅપ માટે આવી રહ્યા છે. જેમાંથી 50 ટકા દર્દી ગંભીર હાલતમાં હોવાથી તેમને દાખલ કરવાની ફરજ પડી રહી છે. નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ રોજની 400 જેટલી ઓપીડી નોંધાઇ રહી છે. જેમાંથી 200 થી 225 જેટલા ગંભીર દર્દીઓને તાત્કાલિક દાખલ કરવાની ફરજ પડતાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ આવી છે. દાખલ કરવા પડતા દર્દીઓમાં 40 થી 50 દર્દી અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવી રહ્યા છે.

કેદીઓ માટે 25 બેડની વ્યવસ્થા, 18 કેદી દાખલ
નવી સિવિલ હોસ્પિટલમાં હાલ કાચા અને પાકા કામના કેદીઓ માટે પણ જો કોરોના થાય તો 25 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાંથી 18 બેડ અત્યારે ફુલ છે. કેદીઓની સંખ્યામાં વધઘટ થતો રહે છે. પરંતુ અત્યારે 18 કેદી કોરોનાની સારવાર હેઠળ દાખલ હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top