સુરતઃ (Surat) હાલ કોરોનાથી પરિસ્થિતિ વકરી બની રહી છે. જેને લઇ સુરત મહાનગર પાલિકાએ (Corporation) આજે મહત્ત્વના નિર્ણયો લીધા હતા. શહેરમાં છેલ્લા ઘણા સમયથી બહારથી (Out Side) સુરત શહેરમાં આવતા લોકોમાં કોરોનાનાં લક્ષણ જોવા મળી રહ્યાં છે. જેને લઇ કોરોના સંક્રમણનું પ્રમાણ શહેરમાં મોટા પાયે વધી રહ્યું છે. જેથી મનપાએ શહેર બહારથી આવતા લોકોને અપીલ કરી છે કે, જો તેમને તાવ, ખાંસી કે અન્ય કોઇ લક્ષણ જાણાય આવે તો મુસાફરી કરી સુરતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. સુરત શહેરમાં પ્રવેશતા તમામ મુસાફરોનું એન્ટ્રી પોઈન્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ ફરજિયાત કરાશે. જો કોરોનાનાં લક્ષણ અથવા તાવ, ખાંસી, શરદી હશે તો ફરજિયાત ક્વોરન્ટાઇન કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી હમણા ઘણા લોકો સુરતમાં મુસાફરી કરી સુરત આવી રહ્યા છે. જો થોડાં પણ લક્ષણ જણાય તો મુસાફરી કરી સુરતમાં પ્રવેશ કરી શકશે નહીં.
ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સંખ્યા સતત વધી
સુરત: શહેરમાં દિનબદિન કથળી રહેલી પરિસ્થિતિ ઉપર હજી કાબૂ મેળવવામાં તંત્રને ફાંફાં પડી રહ્યા છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ગંભીર દર્દીઓની વધતી સંખ્યા તબીબો અને તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સંખ્યા સતત વધી છે.
શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ હોવા છતાં તંત્ર દ્વારા બધુ યોગ્ય હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. પ્રતિદિન શહેરમાં વધતા દર્દી અને વધતા મોતના આંકડા તંત્ર માટે માત્ર આંકડાઓની રમત છે. શહેરમાં મનપાના હોલ, સમાજની વાડીઓમાં સતત કોવિડ સેન્ટરો ઊભાં કરવામાં આવી રહ્યા છે. નવી સિવિલ, કોવિડ હોસ્પિટલ, સ્મીમેર સહિતની બધી હોસ્પિટલો ફુલ છે. નવા આવી રહેલા ગંભીર દર્દીઓને દાખલ કરવાને લઈ તબીબો ચિંતિત છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે કોરોનાએ સંપૂર્ણ રીતે પગપેસારો કરતાં તંત્ર માટે આગામી દિવસોમાં મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. કારણ કે, ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલોની સુવિધાઓ નથી. જેને કારણે જ છેલ્લા એક અઠવાડિયામાં નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારના કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. રોજ ગ્રામ્ય વિસ્તારના ગંભીર દર્દીઓની સંખ્યા જોઈને તબીબોની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે, ગ્રામ્ય વિસ્તારમાં જો કોરોનાએ મોતનો તાંડવ શરૂ કર્યો તો સ્થિતિ ભયાવહ બની શકે છે.