સુરતઃ (Surat) ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) ખાતે તા.૨૦મી ડિસેમ્બર સુધી ચાલનારા ૩૪માં ʻહુનર હાટ’ (Hunar Haat)ʾનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આપણો દેશ દસ્તકારો, શિલ્પકારોની સ્વદેશી વિરાસતથી ભરપૂર છે. આ લુપ્ત થતી જતી પરંપરાગત કલા, કૌશલ્યને હુનર હાટના માધ્યમથી પુનઃ જીવિત કરવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સમગ્ર ભારતનાં ૩૦ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા કારીગરો પોતાના હુનર થકી તેમનાં ઉત્પાદનોને વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય હુનર હાટ થકી શક્ય બન્યું છે. પ્રાચીન સમયમાં ભારતની (India) ઓળખ સોને કી ચીડિયાને તરીકે થતી હતી. આવા હુનર અને કલા કૌશલ્યવાનોની ચીજવસ્તુઓ વિદેશોમાં નિકાસ થતી જે હુંડિયામણથી દેશ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. નવી પેઢીના પ્રતિભાવાન કારીગરોને પ્રોત્સાહન મળી રહે, તેમના પૂર્વજોનાં કૌશલ્યો સાથે તેઓ જોડાયેલા રહી કલાકારીગરી દ્વારા આર્થિક પ્રગતિ અને રોજગારની તકો પૂરી પાડવા હુનર હાટનો ઉદ્દેશ હોવાનું તેમણે કહ્યું હતું. હુનર હાટના પરિણામે સાત લાખથી વધુ કારીગરોને રોજગારીનો નવો અવસર મળ્યો છે.
આ પ્રસંગે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, વિશ્વકર્માની વિરાસતને હુનર હાટ થકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય થઈ રહ્યું છે. દેશને ખૂણેખૂણે રહેલી લાખો પ્રતિભાવોને હુનર હાટથી રોજગારીનો નવો અવસર મળ્યો છે. સાત લાખથી વધુ શિલ્પકારો, કારીગરોને રોજગારી પૂરી પાડી છે, જેમાં ૪૦ ટકાથી વધુ મહિલા ઉદ્યમીઓ હોવાનું તેમણે કહ્યું હતું.
રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સુરતના આંગણે સમગ્ર ભારતમાંથી અનેક કલાના કસબીઓ પોતાની કલા લઈને આવ્યા છે. ત્યારે સુરતવાસીઓ પણ તેમની કલાની કદર કરીને વોકલ ફોર લોકલના નારાને સાર્થક કરવાની હિમાયત તેમણે કરી હતી. આ પ્રસંગે કેન્દ્રના રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મેયર હેમાલી બોધાવાલા, ધારાસભ્યો, શિલ્પકારો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં પ્રથમવાર અવધિ, પેશ્વાશાહી અને નોર્થ ઇસ્ટની વાનગીઓ એક જ સ્થળે જોવા મળી
હુનર હાટમાં માત્ર શિલ્પકારો કે કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવતું હોય એવું નથી. વિવિધતામાં એકતાથી ભરેલા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી પારંપરિક વાનગીઓ બનતી આવી છે. હુનર હાટમાં કુલ ૨૭ રાજ્યની વેજ અને નોનવેજ વાનગીઓ જુદા જુદા વિભાગોમાં રજૂ કરવામાં આવી છે. સુરતમાં પ્રથમવાર અવધિ, પેશ્વાશાહી અને નોર્થ ઇસ્ટની વાનગીઓ એક જ સ્થળે જોવા મળી રહી છે. કેરળની પોપકોર્ન કેન્ડી, મધ્ય પ્રદેશના ભોપાલની હોમમેડ બેકરી આઇટમ અને લાઇવ ચોકલેટ તાજી ખાવા માંગતા શોખીનો માટે મધ્યપ્રદેશનાં રસોઇયા સંધ્યા પટેલ લાવ્યાં છે. અનેક એવોર્ડ મેળવનાર સંધ્યા પટેલ ઘઉં અને મેંદાના મિશ્રણમાંથી સ્થળ પર જ જુદા જુદા પ્રકારની ચોકલેટ અને કેડબરી તરોતાજા બનાવી વિતરણ કરે છે. એવી જ રીતે બિસ્કિટ અને અન્ય પ્રોડક્ટ પણ બને છે. ઉપરાંત મધ્ય પ્રદેશના જ સંતોષ કંકરની પાઇનેપલ અને રબડી જલેબી લોકોને આકર્ષિત કરી રહી છે. ઉપરાંત બિહારના સમસ્તી પૂરના વિખ્યાત લીટ્ટીચોખા જાણીતા સેફ ફૂલકુમાર લઇ આવ્યા છે.
પ્રથમવાર ઉત્તર પ્રદેશનો ફ્લેવર્ડ ગોળ રજૂ થયો
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખેડૂત મુસ્તુફા હસન તાજી શેરડીમાંથી જુદી જુદી વેરાયટીના ગોળ લઇને આવ્યા છે. જેમાં મગફળી અને તલનો ગોળ, માવા ગોળ, વરિયાળી ગોળ, સૂંઠનું ગોળ અને ખાંડમાંથી બનેલો ગોળ લાવ્યા છે.
કાશ્મીરમાં મળતું દુર્લભ એક કળીનું લસણ હુનર હાટમાં જોવા મળશે
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના વતની સૈયદ મુઝફ્ફર કાશ્મીરની બદામ, કેસર, અને લદાખમાં જોવા મળતું એપ્રીકોટ લાવ્યા છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરની કેનબેરી, બ્લેકબેરી અખરોટનું પણ વેચાણ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના સ્ટોલમાં કાશ્મીરમાં મળતું દુર્લભ એક કળીનું લસણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટોલના સંચાલક ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટેનો કહાવો વિનામૂલ્યે પીવડાવી રહ્યા છે. ઉપરાંત ખરતા વાળ અટકાવવા અને શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા અખરોટના ઓઇલની સારી ડિમાંડ જોવા મળતાં સૈયદ મુઝફ્ફર ખુશ ખુશ જોવા મળ્યા છે.
આ વાનગીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની
રાજસ્થાનના બિકાનેરી પાપડ, હરિયાણાના કર્નાલમાં બનતું અજમા, લીચી, બેરી, મુલ્તી, મસ્ટર્ડ અને રોઝવૂડનું મધ જે કપડાં ઉપર નાંખ્યા પછી પાણીના ટીપાની જેમ ખરી પડે છે. આ સ્ટોલ પર હિમાચલના પહાડોમાં મળતી કીડાજડી જે અનેક રોગોમાં અકસીર ગણાઇ છે અને તે ખૂબ મોંઘી મળે છે. હુનર હાટમાં કીડાજડીના પાંચ ગ્રામનો ભાવ ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. હુનર હાટમાં સેન્ટ્રલ નોર્થ અને સાઉથ દિલ્હીની વાનગીઓ કેરળના નેચરલ સ્પાઇસીસ, મધ્યપ્રદેશના મંદસોરના નેચરલ ફૂટ જ્યુસ, મહારાષ્ટ્રના ઓર્ગેનિક મસાલા, કોઝીકોડેની કોકોનટ ઓઇલ મળે છે.
કેરળનો પારંપરિક હલવો આકર્ષણનું કેન્દ્ર બન્યો
મુંબઇમાં રબરના હલવા તરીકે જાણીતા સ્વીટ જેવો કેરળમાં ટ્રેડિશનલ હલવો બને છે. જેને કોઝીકોડાન હલવો કહે છે. પાઇનેપલ, બનાના, ખજૂર, ગાજર, જેક ફ્રૂટ, પિસ્તા, ગ્રીન ચીલી અને કોકોનટના મિશ્રણ સાથે પારંપરિક હલવો બનાવવામાં આવે છે. મુંબઇનો હલવો રબરની જેમ ચાવવો પડે છે. જ્યારે આ હલવો ખૂબ સોફ્ટ હોય છે. ઉપરાંત ગોળ, ઘી, ઘઉં, ચોખા, કોકોનટ ઓઇલમાંથી બનેલો કેરળ પાક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કેરળના ત્રિવેન્દ્રમના સેફ રીના આ પ્રોડક્ટ બનાવીને લાવ્યા છે. જે એક મહિના સુધી તરોતાજા રહે છે.
નોનવેજની આ વેરાઇટીઓ શોખીનોને ખેંચી રહી છે
હૈદ્રાબાદી બિરયાની, હૈદ્રાબાદી હલીમ સહિત હૈદ્રાબાદની ૨૨ વેરાઇટી રજૂ થઇ છે. જ્યારે ઉત્તર પ્રદેશની અવધિ નોનવેજ વેરાયટી ટુંડે કબાબ, અલ્ફામ, જિંજર, તંદુરી તંગડી કબાબની સિરીઝ રજૂ થઇ છે. ઉપરાંત બાર્બેકયુની વેરાઇટીઓ રજૂ કરવામાં આવી છે. યુપીના રામપુરના ચિકન કબાબ રોલ, ચિકન ચાપલી, શામી કબાબ અને શેખ કબાબ, તરોતાજા પીરસવામાં આવી રહ્યા છે.