સુરતઃ (Surat) કતારગામ ખાતે ગારમેન્ટના ઓનલાઇન (Online) વેપારીના પાર્સલ પરત આપવા આવતા ફ્લીપકાર્ટના (Flipkart) ડિલિવરી બોયે (Delivery Boy) ખોટી એન્ટ્રી કરી ઓછા પાર્સલ (Parcel) આપી 3.50 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. કતારગામ પોલીસે આ અંગે ફરિયાદ (Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
- રિટર્ન પાર્સલની ખોટી એન્ટ્રી કરી ફ્લીપકાર્ટના ડિલીવરી બોય દ્વારા ઠગાઇ
- કતારગામના રેડીમેઇડ કપડાના વેપારીએ 3.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે સિંગણપોર રોડ શાંતિનગર સોસાયટી વિભાગ 1 માં રહેતા 32 વર્ષીય અલ્પેશભાઈ મધુભાઈ અકબરી મૂળ અમરેલીના લાઠીના ક્રિષ્ણગઢના વતની છે. તેઓ કતારગામ ગજેરા સર્કલ પાસે રેડીમેઈડ ગારમેન્ટની દુકાન ધરાવે છે. તેઓ જાતે ગારમેન્ટ બનાવી ઓનલાઈન વેચે પણ છે. તેમને ઓર્ડર મળે તે મુજબ અલગ અલગ કંપનીના ડિલિવરી બોય પાર્સલ લઈ જાય છે. ફ્લીપકાર્ટ કંપનીમાંથી આવતો ડિલિવરી બોય અભિજીત સાલુંકે ( રહે.ચિતાચોક, નવાગામ-ડિંડોલી, સુરત ) ગત 10 જાન્યુઆરીએ બપોરે પાર્સલ પરત આપવા આવ્યો હતો.
અલ્પેશભાઈ અને તેમનો સ્ટાફ જમતો હોવાથી અભિજીતે રિટર્ન પાર્સલની એન્ટ્રી કોમ્પ્યુટરમાં જાતે કરી પાર્સલનું એક બોક્સ આપી નીકળી ગયો હતો. જમીને આવ્યા બાદ અલ્પેશભાઈએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં અભિજીત પાર્સલનું એક બોક્સ સાથે લઈ જતો નજરે ચઢ્યો હતો. તેમણે એન્ટ્રી અને પાર્સલ ચેક કર્યા તો કેટલાંક પાર્સલ ઓછા હતા. જેને પગલે તેમણે અભિજીતના જૂના તમામ ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં 24 ડિસેમ્બર 2022 થી 9 જાન્યુઆરી સુધીમાં 3.50 લાખના 900 પાર્સલ ઓછા પરત કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કંપનીના ગોડાઉન મેનેજર આશિષ મિસ્ત્રીને ફોન કરી જાણ કરી હતી. આશિષે તપાસ કરી અભિજીતને ફોન કરતા તેને ફોન કાપી નાખી બાદમાં બંધ કરી દીધો હતો. આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.