SURAT

‘જો તું મારી સાથે નહીં બોલે તો હું મરી જઈશ અને તારા ભાઈને મારીને ભૂત બનાવી દઈશ’

સુરત : સરથાણામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો. યુવતીએ પ્રેમની ના પાડતા યુવકે હાથની નશો કાપીને તેના ફોટા યુવતીને વ્હોટ્સએપમાં મોકલીને ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે નહીં બોલે તો હું મારી જઈશ અને તારા ભાઇને પણ મારી નાંખીશ’. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • સરથાણા યોગીચોક પાસેની સોસાયટીમાં રહેતા દર્શન વેકરીયા નામના યુવકનું કારસ્તાન
  • યુવતી સાથે મિત્રતા કરવા વારંવાર તેને ફોન કરી, પીછો કરી હેરાન કરતો
  • યુવતીએ પ્રેમનો અસ્વીકાર કરતા દર્શને લોહીવાળા ફોટા વ્હોટ્સએપ કરી ધમકી આપી
  • ગભરાયેલી યુવતીએ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસ ફરિયાદ આપી
  • પોલીસે પાગલ પ્રેમી દર્શન વેકરીયાની ધરપકડ કરી

બનાવની વિગત એવી છે કે સરથાણામાં યોગીચોક પાસે આવેલી યોગીનગર સોસાયટીમાં રહેતા દર્શન મહેશભાઇ વેકરીયા નામના યુવકને સોસાયટીમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હતી. બંને અવારનવાર ફોન પર પણ વાતો કરતા હતા. આ દરમિયાન દર્શનને યુવતી સાથે પ્રેમ થઇ જતા તેણે યુવતીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ યુવતીએ ફક્ત મિત્રતા રાખવાનું કહીને પ્રેમની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઉપરાંત યુવકની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી હતી. એક તરફ પ્રેમમાં પાગલ દર્શને યુવતીનો પીછો કરીને હેરાન કરતો હતો. આખરે દર્શને પોતાના હાથની નશો કાપી નાંખી હતી, તેના લોહીવાળા ફોટા યુવતીને વ્હોટ્સએપમાં મોકલી આપીને ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે નહીં બોલીશ તો હું મરી જઇશ, અને તારો ભાઇ ક્યાંય રસ્તામાં મળ્યો તો તેને પણ મારી મારીને ભુત બનાવી દઇશ’. દર્શનની વાતથી ગભરાયેલી યુવતીએ પોતાના પરિવારને જાણ કરીને સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ બાબતે દર્શનની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top