સુરત: (Surat) સુરતમાં 500 અને 2000 રૂપિયાની અસલી નોટની (Note) નીચે ચિલ્ડ્રન બેંકની (Children Bank) નકલી નોટ મુકી છેતરપિંડી (Fraud) કરનાર ગેંગ પોલીસે ઝડપી પાડી છે. એસ.ઓ.જી અને એટીએસની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને છ ઈસમોને મુદ્દામાલા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 500 અને 2000 રૂપિયાની 4 કરોડથી વધુની નોટ ઝડપી લેવામાં આવી છે. પોલીસે (Police) આરોપીઓ પાસેથી અસલી અને નકલી નોટો જપ્ત કરી લીધી છે. સાથે જ સોના (Gold) અને ચાંદીની લગડીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં 99 શોપિંગ કોમ્પલેક્ષમાં આ નોટો અપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ગેગ દ્વારા અસલી નોટોમાં ઉપર ઓરિજનલ નોટ મૂકી નીચે ચિલ્ડ્રન બેન્કની નોટ મુકવામાં આવતી હતી. આ ગેંગ જ્યાં નોટ આપવા જતી ત્યાં પોલીસ આવી જશે તેવો ડર બતાવીને ઝડપથી નોટના બંડલ ભરેલી બેગની આપલે કરીને નાસી જતી હતી. મળતી માહિતી મુજબ ગેંગના લોકો જે નોટનાં બંડલ આપતા હતા તેમાં ઉપર અને નીચે 2000 અને 500ના દરની ઓરિજનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લિકેટ નોટ મુકતા હતા.
ઝડપાયેલા આરોપીઓની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આ નોટ ક્યાંથી લાવતા હતા કોની કોની સાથે તેમની ડીલ થઈ છે તે અંગેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા 4,85,35,000ની રૂપિયા 2000 અને 500ના દરની નોટો ઝડપી પાડવામાં આવી હતી. તેમજ આરોપીઓ પાસેથી 50 ગોલ્ડ અને 10 સિલ્વરની લગડીઓ પણ મળી આવી હતી. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.