SURAT

સુરતને નંબર 1 બનાવવાના અભરખા રાખનારા પહેલાં આ જોઈ લે, લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસી રહ્યાં છે

સુરત: (Surat) સ્માર્ટ સિટીની (Smart City) મોટી મોટી વાતો કરતાં શાસકો અને તંત્રના અધિકારીઓ માટે પોશ વિસ્તાર જ જાણે શહેર હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. શહેરમાં અઠવા ઝોન અને રાંદેર ઝોનના અમુક વિસ્તારોમાં જ સારી કામગીરીનો દેખાવ કરી દેવામાં આવે છે અને બાકીના શહેર વિસ્તારમાં લોકોની સમસ્યાને જાણે કોઈ ગણકારતા જ ન હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પાલનપુર હળપતિવાસમાં છેલ્લા 15 દિવસથી ગટરો (Drainage) ઊભરાઈ રહી છે, પણ જાણે કોઈને દરકાર ન હોય તેમ અહીં લોકોને ગટરના પાણીની (Dirty water) વચ્ચે રહેવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર મનપામાં (SMC) ફરિયાદ (Complaint) કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવી રહ્યું નથી.

  • પાલનપુર હળપતિવાસમાં ગંદકી, છેલ્લા 15 દિવસથી ગટર ઊભરાય છે, ઝાડા-ઊલટીના કેસ વધ્યા
  • સ્થાનિકો સુરત મનપામાં ફરિયાદ કરી કરીને થાક્યા, પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી

સ્માર્ટ શહેર અને સ્વચ્છ શહેર સુરતનાં બણગાં ફૂંકતા શાસકો અને વહીવટી તંત્રને જાણે ગરીબ લોકોની સમસ્યા દેખાતી જ નથી. ગરીબ લોકો દરેક જગ્યાએ પહોંચી નથી શકતા. એટલે તેમની ફરિયાદોને સરળતાથી નજરઅંદાજ કરવામાં આવી રહી છે. પાલનપુર હળપતિવાસમાં લોકો છેલ્લા 15 દિવસથી ગટરના ગંદા વાસ મારતા પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અને તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે.

ટોઇલેટમાંથી પાણી ઘરમાં આવે છે, ઝાડા-ઊલટીના કેસ વધી રહ્યા છે: હંસાબેન રાઠોડ, સ્થાનિક
પાલનપુર હળપતિવાસમાં રહેતાં હંસાબેન રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે. અમારા વિસ્તારમાં ગટરલાઈન સતત ઊભરાઈ રહી છે, વારંવાર ઝોનમાં અને વોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ ઉકેલ આવી રહ્યો નથી. મનપાના અધિકારીઓ-કર્મચારીઓ આવીને આંટા મારીને નીકળી જાય છે પણ આ ગટર ચોકઅપ છે તેનું નિરાકરણ લાવતા નથી. અમારા ઘરના ટોઇલેટમાંથી પાણી બહાર આવે છે અને આખા વિસ્તારમાં ઝાડા-ઊલટીના કેસ સતત વધી રહ્યા છે.

મેઇન હોલ શોધવાની કામગીરી ચાલુ હતી, ફોલ્ટ મળી ગયો છે: સી.બી.વસાવા
રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેક સી.બી.વસાવાએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે તંત્રને જાણ છે અને ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફોલ્ટ શોધવામાં આવી રહ્યો હતો. પરંતુ સી.સી. રોડ બનવાને કારણે મેન હોલ દબાઈ જતાં ફોલ્ટ શોધવામાં વાર લાગી હતી. પરંતુ હવે ફોલ્ટ મળી ગયો હોવાથી એક-બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે.

Most Popular

To Top