SURAT

સુરત નંબર 2: ક્લીન સિટીની રેસમાં સુરત ફરી એક કદમ ચૂક્યું, જોકે, આ કેટેગરીમાં બાજી મારી

સુરત: દેશના સૌથી સ્વચ્છ શહેરોના સરવેમાં સતત છઠ્ઠી વાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરે બાજી મારી છે. ઈન્દોર ફરી એકવાર ભારતનું નંબર વન સ્વચ્છ શહેર તરીકે ઉભરીને બહાર આવ્યું છે, તો બીજી તરફ તંત્રના લાખ પ્રયાસ છતાં સુરત શહેરે બીજા નંબરથી સંતોષ માનવો પડ્યો છે. ગયા વર્ષની જેમ સુરત શહેરે બીજો ક્રમાંક જાળવી રાખ્યો છે. જોકે, 40 લાખથી વધુ વસતી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ ફરી એકવાર સુરતે જીત્યો છે.

જેની કાગના ડોળ રાહ જોવાઇ રહી હતી તે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નુ પરિણામ આજે શનિવારે જાહેર થયું છે. સુરત શહેરને ફરી એકવાર બીજા ક્રમથી સંતોષ માનવો પડ્યો છે. ઈન્દોર સતત છઠ્ઠીવાર નંબર 1 ક્લીન સિટી તરીકે જાહેર થયું છે. વિજેતા શહેરોના પ્રતિનિધિઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ અપાયો છે.

તમને જણાવી દઈએકે સુરત સતત ત્રીજા વર્ષે દેશભરમાં બીજા ક્રમનું ક્લીન સિટી જાહેર થયું છે. દેશના નંબર વન ક્લીન સિટી બનવા માટે સુરત શહેરના તંત્ર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી. તેથી આ વખતે સુરત શહેર ઈન્દોરને પછાડીને દેશનું નંબર વન ક્લીન સિટી બનશે તેવી આશા હતી પરંતુ નિરાશા મળી છે. એવોર્ડ સેરેમનીમાં સુરત મનપા મેયર, કમિશનર, અને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ હાજર રહ્યાં હતાં. રાજય સરકાર તરફથી શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા અને મિશન ડાયરેકટ હાજરી આપી હતી. સ્વચ્છતા મિશનમાં અગાઉના વર્ષો કરતા 2022ના સર્વેક્ષણમાં વિવિધ માપદંડ અને ભારાંક કેટેગરી તદ્દન ભિન્ન રહી હતી. કુલ 750 ગુણ વિવિધ કેટેગરી માટે નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, સુરત અને ઈન્દોરની વસ્તી અને ભૌગોલિક સ્થિતિ વચ્ચે ઘણો ફરક છે તેમ છતાં સુરત સ્વચ્છતાની દોડમા આગળ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે પણ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં સુરત પહેલા નંબરે રહ્યું હતું.

ઈન્ડિયન સ્વચ્છતા લીગ સ્પર્ધામાં સુરત મનપાને ટોપ ઈમ્પેક્ટ ક્રીએટરનો એવોર્ડ
સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ઇન્ડિયન સ્વચ્છતા લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહીત દેશના કુલ 1850થી વધુ શહેરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અંતર્ગત સુરત શહેર દ્વારા તા. 17 મી સપ્ટેમ્બરે ડુમસ બીચ પર ડુમસ ક્લિન્લિનેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજીક સંસ્થા, એન.જી.ઓ, કોલેજ- સ્કૂલના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતા અભિયાન, ઇકો- ફ્રેન્ડલી એક્ઝિબિશન તેમજ કચરાના વર્ગીકરણની જાગૃતિ આધારીત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નવી દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના હસ્તે સુરત મહાનગરપાલિકાન વતી કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઇ અને એન્વાયરો એન્જિનિયર જવલંત નાયકે “ટોપ ઈમ્પેક્ટ ક્રીએટર”નો અવોર્ડ સ્વિકાર્યો હતો.

Most Popular

To Top