સુરત: શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી અસામાજિક માથાભારે તત્ત્વો બેફામ બન્યા છે. જાણે પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ ખુલ્લેઆમ મારામારી, હત્યા જેવા ગુના બની રહ્યાં છે. આવો જ એક બનાવ આજે મંગળવારે શહેરના ઉમરા વિસ્તારમાં બન્યો છે. અહીં બે ગેંગના ગુંડાઓ જાહેરમાં એકબીજા સાથે બાખડ્યા હતા. દંડા લઈ એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મારામારીનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને ચાર જણાને ઊંચકી લીધા હતા.
ઉમરા ગામમાં બે જૂથ સામ સામે આવી ગયા બાદ લાઠી સહિતના હથિયારો લઈ એકબીજા પર તૂટી પડ્યા હતા. જેથી સ્થાનિક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા તેમજ ભયનો માહોલ સર્જાયો હતો. માટી પુરાણ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. ગણતરીની મિનિટોમાં વાત વણસતા બન્ને જૂથ વચ્ચે છુટ્ટો પથ્થરમારો કરાયો હતો. ભારે મહેનત બાદ પોલીસએ બંને પક્ષને છુટા પાડી ચારની અટકાયત કરી છે. અને પૂછપરછ માટે પક્ષને નજીકના ઉમરા પોલીસ સ્ટેશનમાં ખસેડાયા હતા.
ઘટના સ્થળે ઉપસ્થિત એક જાગૃત નાગરિકે પોલીસને સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે મોડે મોડે થી પણ પોલીસ દોડી આવતા વાતાવરણ શાંત પડ્યું હતું. પોલીસના ઘણા પ્રયાસો બાદ માથાભારે પક્ષોને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. અને બન્ને જૂથના હથિયારધારી યુવકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
સૂત્રોના કહ્યા અનુસાર બંને પક્ષો પૈકી એક પક્ષ મામા ગેંગ અને બીજો પક્ષ ભરવાડ સમાજનો હતો. આખી ઘટનાના વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે અને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જાણે સુરતના માથાભારે લોકોને પોલીસનો ભય રહ્યો નથી એમ દેખાય રહ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઘટના ભર બપોરની હતી. ઉમરા ગામે પથ્થરમારો થઈ રહ્યો હોવાની જાણ બાદ પોલીસ દોડી ગઈ હતી. પૂછપરછ દરમિયાન જમીનમાં માટી પુરાણને લઈ દાહોદના મામા ગેંગ અને ભરવાડો વચ્ચે પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું હતું. પથ્થર મારાની સાથે સાથે જાહેરમાં એકબીજા પર લાકડીઓ વડે હુમલાઓ પણ કરાયા હતા. જેને લઈ સમગ્ર વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ હતી. તેમજ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે જૂથ વચ્ચેના આંતરિક વિવાદ ને લઈ થયેલા મારામારીમાં ઉમરા પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી. હાલ તપાસ ચાલે છે. ત્યારે પોલીસ પ્રસાશન ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે વારંવાર આવી ઘટનાઓ સુરતમાં બનતી રહે છે ત્યારે શું લોકોને પોલીસનો ભય રહ્યો નથી. અને હવે પોલીસ આગળ શું કરશે એ જોવું રહ્યું.