સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) ટી.બી.વિભાગ દ્રારા લિંબાયતના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય (MLA) સંગીતાબેન પાટીલના તા. 12મી ઓગસ્ટના રોજ પોતાના જન્મદિવસની (Birthday) અનોખી અને સેવાસભર ઉજવણી પ્રસંગે જરૂરીયાત મંદ ટી.બી. પીડીત દર્દીઓ સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. લિંબાયત વિસ્તારના જરૂરીયાતમંદ ટી.બી.પિડીત દર્દીઓને 3 મહિના સુધી ચાલી શકે તેવી ન્યુટ્રીશન કીટ અને નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના બાળકોને 51 મચ્છર દાની, 151 બેબી કીટ તથા 100 કલર ફૂલ છત્રીઓ સંગીતાબેન પાટીલના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા કર્મઠ ધારાસભ્ય સંગીતાબેન પાટીલે કહ્યું કે, લોકોના સુખ-દુ:ખના સમયે સાથે રહીને સહભાગી બનવું એ આપણી નૈતિક ફરજ છે. ૨૦૨૫ સુધીમાં દેશ ટી.બી. મુક્ત બને એજ મારા જન્મદિવસની રિટર્ન ગીફટ છે. લિંબાયત વિસ્તાર મીની ભારત તરીકે જાણીતું બન્યુ છે અને મને ભારતના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે તે હું ક્યારેય ચૂકીશ નહી. જનસમૂહનો સ્નેહ અને લાગણી મને સતત કાર્યશીલ રહેવાની પ્રેરણા આપી રહી છે. દર્દીઓની અને સમાજની સેવા કરવી એ સાચા અર્થમાં જન્મ દિવસની ઉજવણી એમ શ્રીમતી પાટીલે જણાવ્યું હતું.
સિન્ડીકેટ સભ્ય અને ટી.બી વિભાગના વડા પારૂલ વડગામાએ કહ્યું હતું કે, ટી.બી. પિડીત દર્દીઓથી દૂર જવાને બદલે દર્દીઓ માટેની સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવાની જરૂર છે. ક્ષય ગ્રસ્ત દર્દીઓને સહયોગ આપીને રોગ મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવું એ સાચી પ્રભુ સેવા છે. ટી.બી પિડીત દર્દીઓને પોષણ યુક્ત ન્યુટ્રીશન કિટમાં 1 કિલોગ્રામ શીંગદાણા, 1 કિલોગ્રામ ચણા, 1 કીલો ખજૂર, 1 કિલોગ્રામ સોયાબીન, 1 કિલોગ્રામ મગ, 1 કિલોગ્રામ ગોળ, 2 કિલોગ્રામ દાળ સહિત પ્રોટીન યુક્ત આહાર કીટ આપવામાં આવી હતી. આ સાથે દાળિયા, પનીર અને દૂધમાં પણ પૂરતી માત્રામાં પ્રોટીનનું પ્રમાણ રહેલું હોય છે.
દવાની સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આહારથી છથી આઠ મહિનામાં દર્દીઓની ટીબી મુક્ત થવાની શક્યતા વધી જાય છે. નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું કે, સુરતના કાર્યશીલ મહિલા ધારાસભ્ય હંમેશા દર્દીઓની સેવામાં તત્પર હોય છે. દરેક જનસમૂહની વિકટ પરિસ્થિતિમાં ભલામણની સાથે તેનું ફોલોઅપ લેવું તેવી તેની અનોખી કાર્યશૈલી રહી છે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, મેડિકલ કોલેજના ડીન ડો. રાગીનીબેન વર્મા, એડિશનલ ડીન ડો.ધારિત્રીબેન પરમાર,એસએમસી ટી.બી. ઓફિસર ડો.ભાવિનભાઈ પટેલ, વિભાગીય નાયબ નિયામકશ્રી ડો.જ્યોતિબેન ગુપ્તા, સર્જરી વિભાગના વડા ડો.ગ્રિનિશભાઈ, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતિ રાવ, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ કાંતાબેન, કોર્પોરેટર સર્વશ્રી વિક્રમભાઈ પાટીલ, નરેન્દ્રભાઈ પાટીલ, વિરેન પટેલ, વિવિધ વિભાગના તબીબો, હેડ નર્સ, સ્ટાફ નર્સ, એસોસિયેશનના હોદેદારો સહિત ટી.બી. ગ્રસ્ત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.